વિક્રાંતનો પબ્લિસિટી સ્ટંટ કે શુંઃ અચાનક કરી રિટાયરમેન્ટની જાહેરાત
મુંબઇઃ બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસી ઈન્ડસ્ટ્રીમાં પોતાની જોરદાર એક્ટિંગ માટે જાણીતો છે. વિક્રાંતની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ગયા મહિને રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ભલે બોક્સ ઓફિસ પર કોઇ જાદુ ના ચલાવ્યો હોય, પરંતુ તેમાં વિક્રાંતની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
હવે વિક્રાંતની એક પોસ્ટે બધાને ચોંકાવી દીધા છે. 1 ડિસેમ્બરના રોજ, વિક્રાંત મેસીએ અભિનયમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. વિક્રાંતની આ પોસ્ટ સામે આવતા જ સોશિયલ મીડિયા પર ફેન્સ તરફથી ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. હવે સમય આવી ગયો છે… વિક્રાંત મેસીએ 1 ડિસેમ્બરની વહેલી સવારે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં અભિનેતાએ લખ્યું, ‘હેલો, છેલ્લા કેટલાક વર્ષો અને ત્યારથી અત્યાર સુધીનો સમય અદ્ભુત રહ્યો છે.
તમારા અપાર સમર્થન બદલ હું આપ સૌનો આભાર માનું છું. પરંતુ જેમ જેમ હું આગળ વધી રહ્યો છું તેમ તેમ મને અહેસાસ થાય છે કે હવે મારી જાતને ફરીથી પાછળ ખેંચવાનો અને ઘરે પાછા જવાનો સમય આવી ગયો છે. હવે હું પતિ, પિતા અને પુત્રની ભૂમિકા ભજવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માગુ છું, તેથી હું થોડા સમય માટે અભિનયથી દૂર રહીશ. જોકે તેમણે એ નથી જણાવ્યું કે તેઓ કેટલો સમય ફિલ્મી દુનિયાથી દૂર રહેશે.
વિક્રાંતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ લખીને આ નિર્ણયની જાહેરાત કરી હતી. વિક્રાંતના આ નિર્ણયથી ઘણા લોકો ચોંકી ગયા છે અને તેમની પોસ્ટ પર કમેન્ટ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે વિક્રાંતે આવો નિર્ણય કેમ લીધો. એક નેટિઝને લખ્યું છે કે, તમે આ કેમ કરો છો તમારા જેવો અભિનેતા ભાગ્યે જ જોવા મળે છે. અન્ય એક ફેન લખે છે કે, “આ સાચું નથી, હું ઈચ્છું છું કે આ વાત સાચી ન હોય.”
Also Read – અભિષેક અને ઐશ્વર્યાએ સાથે જ ઉજવ્યો આરાધ્યાનો જન્મદિવસ; આ વિડીયોથી અટકળો પર મીંડું…
વર્ષ 2004માં વિક્રાંતે ટીવી શોથી એક્ટિંગની શરૂઆત કરી હતી. વર્ષ 2013માં, તેમણે રણવીર સિંહ અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ ‘લૂટેરા’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેઓ સપોર્ટિંગ રોલમાં જોવા મળ્યા હતા. આ પછી વિક્રાંત મેસીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું. ગયા વર્ષે જ વિક્રાંતની ’12મી ફેલ’ રિલીઝ થઈ હતી, જે ખૂબ જ હિટ રહી હતી. તેમાં તેમની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ હતી. તેમની તાજેતરની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ માટે, તેમને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં ‘પર્સનાલિટી ઓફ ધ યર’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
વિક્રાંતની અચાનક નિવૃત્તિની જાહેરાતથી તેમના ફેન્સ ખૂબ નિરાશ થઈ ગયા છે.