વિજય સેતુપતિ રામાયણમાં આ મહત્તવના રોલમાં જોવા મળશે..

મુંબઈ: ડાયરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ ચર્ચામાં છે. આ ફિલ્મમાં રામ, સીતા અને રાવણના પાત્રો કોણ ભજવશે તે નક્કી કરી લીધું છે. ત્યારે હવે દંગલના ડાયરેક્ટર નીતિશ તિવારીએ ફિલ્મમાં વિભીષણના રોલ માટે સાઉથ સ્ટાર વિજય સેતુપતિ સાથે વાત કરી હતી. મળતી માહિતી અનુસાર વિજય સેતુપતિ હવે રણબીર કપૂર સાથે ફિલ્મ રામાયણમાં જોવા મળશે. આ ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. ફિલ્મનું કાસ્ટિંગ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. કેટલાક પાત્રો માટે કલાકારોની પસંદગી પણ કરવામાં આવી છે. ત્યારે હવે આ ફિલ્મમાં વિજય સેતુપતિને પણ લેવાની ચર્ચા છે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર ફિલ્મ રામાયણ માટે ડાયરેક્ટર વિજય સેતુપતિને મળ્યા છે. તેણે વિજયને ફિલ્મમાં રાવણના ભાઈ વિભીષણનો રોલ ઑફર કર્યો છે. આ અંગે દિગ્દર્શકની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે વિજય ફિલ્મની સ્ક્રિપ્ટ અને વર્ણનથી ખૂબ જ પ્રભાવિત છે. અભિનેતાએ પણ આ ફિલ્મ માટે પોતાનો રસ દર્શાવ્યો હતો. જોકે વિજય સેતુપતિએ હજુ સુધી આ ફિલ્મ સાઈન કરી નથી, પરંતુ તે ટીમ સાથે લોજિસ્ટિક્સ અને ફાઈનાન્સને લઈને વાતચીત કરી રહ્યા છે.
નોંધનીય છે કે વિજય સેતુપતિ 12 જાન્યુઆરીએ રિલીઝ થયેલી ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં કેટરિના કૈફ સાથે જોવા મળ્યો હતો. આ ઉપરાંત વિજય શાહરૂખ ખાન સ્ટારર ‘જવાન’માં પણ જોવા મળ્યો હતો. રામાયણ’ની વાત કરીએ તો આ ફિલ્મ 2025માં દિવાળીના પર રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળશે અને સાઈ પલ્લવી સીતાના રોલમાં જોવા મળશે. રાવણના રોલમાં તમને કેજીએફના રોકી ભાઈ જોવા મળી શકે છે. તેમજ હનુમાન માટે સની દેઓલને કાસ્ટ કરવામાં આવ્યો છે. ફિલ્મના લીડ સ્ટાર્સનું શૂટિંગ માર્ચથી શરૂ થશે. તેમજ નિર્માતાઓએ આ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શન માટે દોઢ વર્ષનો સમય નક્કી કર્યો છે.