પતિ ઝહીર સાથે બાપ્પાની આરતી કરી સોનાક્ષી સિન્હાએ
મુંબઈ: આખા દેશમાં ગણેશોત્સવની ધૂમ ચાલી રહી છે અને તેમાં પણ મહારાષ્ટ્રમાં તો આ તહેવારની રોનક કંઇક જુદી જ હોય છે. ગણેશોત્સવ દરમિયાન સેલિબ્રિટીઓ પણ વ્હાલા બાપ્પાની પૂજા-અર્ચનામાં ઓતપ્રોત થઇ જતા હોય છે અને ઘણા સિતારાઓ તો પોતાના ઘરે પણ ગણપતિ બાપ્પાની પધરામણી કરે છે.
જોકે હાલ સોનાક્ષી સિન્હા અને તેના પતિ ઝહીર ઇકબાલની ચર્ચા વધુ થઇ રહી છે અને તેનું કારણ છે બંને જણનો ગણપતિ બાપ્પાની આરતી કરતો વીડિયો, જે ઇન્ટરનેટ પર ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે.
સોનાક્ષી સિન્હાએ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કર્યા ત્યારે મોટો વિવાદ ઊભો થયો હતો અને અમુક લોકોએ સોનાક્ષી સિન્હાની ટીકા કરી હતી તો બીજી બાજુ અનેક લોકોએ સોનાક્ષી સિન્હાનું સમર્થન પણ કર્યું હતું. એ વાત હવે જૂની થઇ ગઇ છે અને હવે ચર્ચા થઇ રહી છે સોનાક્ષી અને ઝહીરના વીડિયોની જે સોનાક્ષીએ પોતે જ ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો છે. વીડિયોમાં સોનાક્ષી અને પતિ ઝહીર ગણપતિ બાપ્પાની આરતી કરતા દેખાય છે.
આ વીડિયોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે અને લોકો સોનાક્ષી અને ઝહીરની વાહ વાહ કરી રહ્યા છે. જ્યારે અમુક લોકો નેગેટીવ કોમેન્ટ્સ પણ કરતા દેખાયા હતા.
વીડિયો સાથે સોનાક્ષીએ કેપ્શનમાં લખ્યું હતું કે ‘પ્રેમ ત્યારે વધી જાય છે જ્યારે પાર્ટનર એકબીજાની માન્યતાઓ અને ભાવનાઓને આદર આપે છે.’
સોનાક્ષી અને ઝહીર બાપ્પાની આરતી ઉતારતા હોય તેવો વીડિયો અને તેની તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાઇરલ થઇ રહી છે અને લોકો તેના પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. અમુક લોકોએ તો લવ જેહાદની વાતો કરનારા લોકો ક્યાં ગાયબ થઇ ગયા એવો સવાલ પણ કોમેન્ટ્સમાં પૂછ્યો હતો.