ટોપ ન્યૂઝમનોરંજન

બોલિવૂડ પર તૂટ્યો દુઃખનો પહાડ

પ્રખ્યાત ફિલ્મ સર્જકનું થયું નિધન

મુંબઇઃ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ધર્મેન્દ્ર અને જીતેન્દ્ર જેવા મોટા કલાકારો સાથે બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ સર્જક રાજકુમાર કોહલીનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. રાજકુમાર કોહલી બિગ બોસ ફેમ અરમાન કોહલીના પિતા હતા. તેમણે શુક્રવારે 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. દિગ્ગજ નિર્દેશક-નિર્માતાના અંતિમ સંસ્કાર આજે સાંજે કરવામાં આવશે. કોહલી છેલ્લે સલમાન ખાનની ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’માં જોવા મળ્યા હતા.

મળતી માહિતી અનુસાર રાજકુમાર કોહલી આજે સવારે સ્નાન કરવા માટે બાથરૂમમાં ગયા હતા. તેઓ ઘણી વાર સુધી બહાર ના આવતા તેમના પુત્ર અરમાને બાથરૂમનો દરવાજો તોડી નાખ્યો હતો. જોયું તો અંદર રાજકુમાર કોહલી બેભાન પડ્યા હતા. તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.


રાજ કોહલીએ 90ના દાયકાની પ્રખ્યાત પંજાબી અભિનેત્રી નિશી સાથે લગ્ન કર્યા હતા. તેમને અરમાન અને રજનીશ નામે બે પુત્ર હતા, જેમાંથી રજનીશનું ત્રણ વર્ષ પહેલા કિડની ફેઇલ થવાથી નિધન થયું હતું. રજનીશ માત્ર 44 વર્ષના હતા. 14 વર્ષની ઉંમરે અકસ્માતનો શિકાર બન્યા બાદ રજનીશ શારીરિક રીતે દિવ્યાંગ બની ગયા હતા. તેમને ગમે ત્યાં જવા માટે વ્હીલ ચેરનો સહારો લેવો પડતો હતો. તેની સંભાળ લેવાની તમામ જવાબદારી અરમાનના શિરે હતી. રજનીશને પ્રેમથી લોકો ગોગી કહેતા હતા.


રાજકુમાર કોહલીએ ઘમા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. તેમણે રાજ તિલક અને બદલે કી આગ જેવી ઘણી શાનદાર ફિલ્મો બનાવી છે. તેમણે ‘જીને નહીં દૂંગા’, ‘ઇન્સાનિયત કે દુશ્મન’, ‘ઇન્તેકામ’, ‘સાઝીશ’, ‘પતિ-પત્ની ઔર તવાયફ’ અને ‘વાદીકર’ જેવી શ્રેષ્ઠ ફિલ્મો આપી છે. ‘ગોરા ઔર કાલા’ નિર્માતા તરીકે તેમની પ્રથમ ફિલ્મ હતી. તેમણે પુત્ર અરમાનને ‘જાની દુશ્મન’થી ઈન્ડસ્ટ્રીમાં લોન્ચ કર્યો હતો. આ ફિલ્મ હિટ રહી હતી, પરંતુ તેનાથી અરમાનની કારકિર્દીને કોઈ ફાયદો થયો નહોતો.


તેમના નિધનથી સમગ્ર બોલિવુડમાં શોકની લહેર છવાઇ ગઇ છે. સમગ્ર બોલિવુડ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. ચાહકો સોશિયલ મીડિયા પર તેમના પરિવારને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button