સેલિબ્રિટી માસ્ટરશેફમાં ભાઇને યાદ કરી પવિત્ર રિશ્તા ફેમ રડી પડ્યા…

રૂપેરી પડદા પર દર્શકોનું મનોરંજન કરતા અને દોમ દોમ સાહ્યબીમાં રહેતા કલાકારોને જોઇને સામાન્ય લોકોને લાગે છે કે તેઓ કેટલા સુખી છે, ખુશ છે અને મઝાની લાઇફ જીવે છે, પણ તેઓ પણ જીવનમાં કેટલાય દુઃખ, પીડા, હતાશાનો સામનો કરતા હોય છે તેના પર આપણી નજર નથી પડતી. દુનિયા સામે હસતો દેખાતા ચહેરાનું રૂદન કોઇ જાણતું નથી હોતું. આવી જ કંઇ વિતક કથા સેલિબ્રિટી માસ્ટરશેફ શોમાં અનુભવી અભિનેત્રી ઉષા નાડકર્ણીએ આંસુ નિતરતી આંખોએ વર્ણવી હતી, જે જોઇને સેલિબ્રિટી જજોની આંખ પણ ભીની થઇ ગઇ હતી.
હાલમાં ટીવી પર સેલિબ્રિટી માસ્ટરશેફ શોમાં ફેસ્ટિવલ સ્પેશિયલ ચાલી રહી છે. આ શોમાં દિપીકા કક્કર, નિક્કી તંબોલી, અભિજીત સાવંત અને જાણીતા અનુભવી અભિનેત્રી ઉષા નાડકર્ણી પણ જોવા મળી રહ્યા છે. આ બધા સેલિબ્રિટીઓએ પ્રતિયોગી બનીને આ શોમાં ભાગ લીધો છે. તેઓ તેમની રસોઇ કુશળતાથી દર્શકો અને સેલિબ્રિટી જજોને પ્રભાવિત કરી રહ્યા છે. આ શોનો એક નવો પ્રોમો હાલમાં રિલીઝ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સાત સમંદર પાર સાડીમાં Nita Ambaniએ બિખેર્યો એવો જલવો, જોઈને તમે પણ કહેશો કે…
સોશિયલ મીડિયા પર રજૂ કરવામાં આવેલા એક પ્રોમો અનુસાર એપિસોડે ભાવનાત્મક ટર્ન લીધો હતો. એ સમયે ઉષા નાડકર્ણીએ તેમના દિવંગત ભાઇ વિશે દિલ ખોલીને વાત કરી હતી, જેને સાંભળીને જજ પણ ભાવુક થઇ ગયા હતા. ઉષા નાડકર્ણીએ કામની પ્રતિબદ્ધતાઓને કારણે એકલા તહેવાર મનાવવાની પીડા યાદ કરી હતી.
આ સ્પર્ધા શોમાં દરેક જણને તહેવારો દરમિયાન બનાવવામાં આવતી વાનગી બનાવવા જણાવવામાં આવ્યું હતું. ઉષા નાડકર્ણી ગણેશ ઉત્સવનો તહેવાર પસંદ કર્યો હતો. સ્ટારશેફ અને જજ વિકાસ ખન્નાએ બધા સાથે ઘરના બનેલા ખાવાના મહત્વ વિશે વાત કરી હતી. તેઓ જ્યારે ઉષા નાડકર્ણી પાસે આવ્યા ત્યારે તેમને પૂછ્યું હતું કે તેઓ હંમેશા એકલા તહેવાર ઉજવવાનો ઉલ્લેખ કેમ કરે છે, ત્યારે ઉષા નાડકર્ણીએ તેના ભૂતકાળનો ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમના દીકરાનો ઉછેર પહેલા તેમની માતાએ અને બાદમાં તેમના નાના ભાઇએ કર્યો હતો, કારણ કે તેઓ જૉબ કરતા હતા અને બાદમાં નાટકો, સિરિયલો અને ફિલ્મોમા બિઝી રહેવાને કારણે તેમને ક્યારેય દીકરાની પરવરિશ કરવાનો સમય જ નહીં મળ્યો અને એમના નાના ભાઇએ તેમના દીકરાને માતાની ખોટ સાલવા દીધી નહીં.
પોતાના ભાઇને યાદ કરતા ઉષા નાડકર્ણીએ જણાવ્યું કે, ‘તે હંમેશા મને પ્રેરણા આપતો, મારુ મનોબળ વધારતો. હંમેશા મને પૂછતો, ઉષા, વખતે ગણેશ ચતુર્થીએ શું કરીશું?’તેમના ભાઇનું 30 જૂન, 2024ના રોજ અવસાન થયું. તેમની રડતી આંખોને જોઇને શેફ વિકાસ ખન્ના પણ ભાવુક થઇ ગયા, શોના અન્ય જજો અને સ્પર્ધકો પણ ભાવુક થઇ ગયા. વિકાસ ખન્નાએ પણ ભીની આંખોએ જણાવ્યું કે દીવાળી તેમની માટે ઘણો ખાસ તહેવાર છે, પણ ગયા વર્ષે તેમની બહેનના મૃત્યુ પછી દીવાળી તેમની માટે ઘણી પીડાદાયક રહી હતી.