Ulajh Trailer: જ્હાન્વી કપૂરનો અલગ અવતાર, ટ્રેલર ઈમ્પ્રેસિવ, પિક્ચર અભી બાકી હૈ
આખું બોલીવૂડ લગભગ દસેક દિવસથી વેકેશન પર હતું અને અનંત અને રાધિકા અંબાણીના લગ્ન સમારંભોમાં વ્યસ્ત હતું. રોજ નવા ફંકશન માટે નવા લૂક્સ સાથે આવેલા બોલીવૂડ સ્ટાર્સે ઘણી પ્રસિદ્ધિ પણ મેળવી અને સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યા, પણ હવે ફરી કામ પર ચડવાના દિવસો આવી ગયા છે. સૌ પ્રથમ કામે લાગી છે જહાન્વી કપૂર. જહાન્વીની ઉલજનું ટ્રેલર આજે રિલિઝ થયું છે. જ્હાન્વી કપૂર એકદમ અલગ અવતાર અને સ્ટાઈલમાં જોવા મળી છે.
ટ્રેલરની શરૂઆત ઈમ્પ્રેસિવ છે. ભારતીય ગુપ્તચર દ્વારા માહિતી લીક કરવામાં આવી રહી છે. આ પછી જ્હાન્વી કપૂર એટલે સુહાના ભાટિયાની એન્ટ્રી થાય છે. સુહાનાએ સેન્ટ સ્ટીફન્સ અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે અને તે દેશની સૌથી યુવા ડેપ્યુટી હાઈ કમિશનર બની છે. સુહાના સાથે કામ કરનાર લોકોને તે ગમતી નથી કારણ કે તેણે નેપોટિઝમનો લાભ લઈ આ પદ મેળવ્યું હોવાનું સૌ કોઈ માને છે. તેના સાથીદારોને લાગે છે કે તે આ પદ મેળવવાને લાયક નથી. તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે. જોકે ત્યારબાદ ફિલ્મ અલગ કરવટ લે છે.
અત્યારે તો રાઝી, બેબી, નામ શબાના જેવી ફિલ્મોની જેવી સ્ટોરી લાગી રહી છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સુધાંશુ સરિયા તેના નિર્દેશક છે. આમાં જ્હાન્વી કપૂરની સાથે ગુલશન દેવૈયા, રોશન મેથ્યુ, મિયાંગ ચાંગ અને આદિલ હુસૈન, રાજેશ તૈલાંગ મહત્વની ભૂમિકામાં છે.
ઉલ્જ સિવાય જ્હાનવી કપૂર પાસે વધુ બે મોટા પ્રોજેક્ટ છે. અભિનેત્રી ગ્લોબલ સ્ટાર જુનિયર એનટીઆર સાથે ફિલ્મ દેવરાઃ પાર્ટ 1માં જોવા મળશે. દિગ્દર્શક શશાંક ખેતાન દ્વારા નિર્દેશિત ફિલ્મ સની સંસ્કારી કી તુલસી કુમારીમાં જ્હાન્વી વરુણ ધવન સાથે જોવા મળશે.