હાર્ટ એટેક નહીં પણ આ કારણે હોસ્પિટલમાં દાખલ થયા અભિનેતા Tiku Talsania, પત્નીએ આપી માહિતી…
હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કોમેડી એક્ટર ટીકુ તલસાણિયા (Tiku Talsania)ને હાર્ટએટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાને અહેવાલને પગલે તેમના ફેન્સ ચિંતામાં પડી ગયા છે. હવે ટીકુ તલસાણિયાના પત્ની દિપ્તી તલસાણિયાએ તેમની તબિયત બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે અભિનેતાને હાર્ટ એટેક નહીં પણ બ્રેન સ્ટ્રોક આવ્યો છે અને તેઓ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
દિપ્તી તલસાણિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એમને બ્રેન સ્ટ્રોક આવ્યો છે, હાર્ટ એટેક નહીં. તેઓ રાતના આઠ વાગ્યે ફિલ્મની સ્ક્રિનિંગ માટે ગયા હતા જ્યાં તેમની તબિયત બગડવા લાગી હતી. તબિયત વધારે ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેઓ હાલમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચો : અભિનેતા ટીકુ તલસાનીયા હૉસ્પિટલમાં, હાલત ગંભીર
ટીકુ તલસાણિયાની તબિયતના સમાચાર સાંભળતા જ ફેન્સ ચિંતામાં પડી ગયા છે અને તેઓ જલદી સાજા થઈ જાય એ માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 70 વર્ષીય ટીકુ તલસાણિયાની ગણતરી હિંદી અને ગુજરાતી મનોરંજનની દુનિયાના દિગ્ગજ કલાકારોમાં કરવામાં આવે છે. તેમણે પોતાની ફિલ્મી કરિયરમાં 250થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તેઓ અનેક ટીવી શોમાં કામ કરી રહ્યા છે.
ટીકુ તલસાણિયાને દર્શકોએ મોટાભાગે કોમેડી રોલમાં જ જોયા છે અને તેઓ જ્યારે પણ સ્ક્રીન પર કે મંચ પર આવ્યા છે ત્યારે તેમણે દર્શકોને પેટ પકડીને હસાવ્યા છે. 1984માં તેમણે ટીવી સિરીયલ યે હૈ ઝિંદગીથી કરિયરની શરૂઆત કરી હતી અને ત્યાર બાદ 1986માં પ્યાર કે દો પલ ફિલ્મથી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન સહિત ઈન્ડસ્ટ્રીના અનેક મોટા મોટા સ્ટાર્સ સાથે તેમણે કામ કર્યું છે.
વાત કરીએ તેમની કેટલીક સુપર હિટ ફિલ્મોની તો તેમણે આમિર-સલમાનની ફિલ્મ અંદાઝ અપના અપના, ઈશ્ક, ઢોલ, કિતને દૂર કિતને પાસ, ધમાલ જેવી મોટી ફિલ્મોનો સમાવેશ થાય છે. છેલ્લે તેમણે 2024માં રિલીઝ થયેલી ફિલ્મ વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયોમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરી અને રાજકુમાર રાવ જોવા મળ્યા હતા.