બોલીવુડના આ પિતાપુત્રી એકસાથે ડિપ્રેશન સામે ઝઝૂમ્યાં.. સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ થેરાપી લીધી હોવાની કરી કબૂલાત
આજે ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે’ના અવસર પર વિશ્વભરમાં માનસિક બિમારીઓ તેની સારવાર અને ઉપાયો વિશે વાત થઇ રહી છે. ત્યારે બોલીવુડના એક પિતાપુત્રની જોડીએ તેમની ડિપ્રેશનની વાતોની એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ખુલ્લેઆમ કબૂલાત કરી છે.
આ જોડી છે આમિર ખાન અને ઇરા ખાનની. આમિર ખાન ‘લાલ સિંહ ચડ્ઢા’ના ફ્લોપ થવાથી ઘેરા આઘાતમાં સરી પડ્યો હતો તે સૌકોઇ જાણે છે. તે સતત તેની પ્રોફેશનલ લાઇફને લઇને ચર્ચામાં હોય છે. જો કે આજે ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે’ પર પહેલીવાર તેણે તેની પુત્રી ઇરા ખાન સાથે ડિપ્રેશન સામેની તેની લડત અંગે ખુલીને વાત કરી હતી. જે ખરેખર એક આવકારદાયક પગલું છે.
વીડિયોમાં આમિર ખાન કહી રહ્યો છે કે, “આપણે ગણિત શીખવા માટે સ્કૂલ કે ટીચર પાસે જઈએ છીએ. જો વાળ કપાવાના હોય, તો સલૂનમાં જઈએ છીએ, તે જ રીતે, જ્યારે આપણને ભાવનાત્મક અથવા માનસિક મદદની જરૂર હોય, ત્યારે આપણે કોઈ એવી વ્યક્તિ પાસે જવું જોઈએ જે આપણને મદદ કરી શકે.” એટલે કે, આમિર અને તેની પુત્રી ચાહકોને એ વાતથી વાકેફ કરી રહ્યા છે કે જે રીતે આપણે આપણા અન્ય કામ માટે કોઈની પાસે જઈએ છીએ, તેવી જ રીતે જો માનસિક સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા હોય તો તે સ્થિતિમાં પણ કોઈપણ જાતના ખચકાટ વિના આપણે કોઈની પાસે જવું જોઈએ.
આમિર વધુમાં જણાવે છે કે તે અને ઈરા બંને છેલ્લા ઘણા સમયથી થેરાપીનો લાભ લઈ રહ્યા છે. તેઓ કહે છે કે જો તમને માનસિક અથવા ભાવનાત્મક સમસ્યા હોય તો તમારે કોઈ પ્રોફેશનલ પાસે જવું જોઈએ. આમાં કોઈ શરમ ન અનુભવી જોઈએ.
વર્કફ્રન્ટમાં આમિર ખાન હવે તેના નેક્સ્ટ પ્રોજેક્ટ માટે સજ્જ થઇ ગયો છે. તે આવતા વર્ષે પુનરાગમન કરી શકે છે. નિર્માતા તરીકે તે ‘લાહોર 1947’ નામની ફિલ્મ લાવી રહ્યો છે, જેમાં સની દેઓલ હીરો હશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં આમિર પ્રોડ્યુસર હોવાની સાથે એક પાત્ર પણ ભજવશે.