400 કરોડ કમાનારી ‘કબીર સિંહ’ ફિલ્મ શાહિદ પહેલા આ અભિનેતાને મળી હતી ઓફર
ફિલ્મ ‘કબીર સિંહ’ શાહિદ કપૂરની બોલીવુડ કારકિર્દી માટે ઘણી ફાયદાકારક રહી હતી, આ ફિલ્મ વડે અભિનેતાએ ફરીવાર બોલીવુડમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું. જો કે એ જાણીને ઘણાને નવાઇ લાગશે કે શાહિદ નહિ પણ કોઇ બીજો જ અભિનેતા છે જેને લઇને દિગ્દર્શક સંદીપ વાંગા ફિલ્મ બનાવવાનું વિચાર્યું હતું, પરંતુ એ અભિનેતાએ ‘ઇટ્સ ટુ ડાર્ક’ એટલે કે ‘ઘણી જ નકારાત્મક’ કહીને ફિલ્મ ઠુકરાવી દીધી હતી.
આ અભિનેતા છે રણવીર સિંહ. જી હાં, રણવીર સિંહ સંદીપ રેડ્ડી વાંગાની પહેલી પસંદ હતો. સંદીપે પહેલા તેલુગુમાં અભિનેતા વિજય દેવરાકોન્ડાને લઇને ‘અર્જુન રેડ્ડી’ નામથી આ ફિલ્મ બનાવી હતી. તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં આ ફિલ્મ સુપરહીટ થઇ હતી અને વિજય દેવરાકોન્ડા તેલુગુ દર્શકો માટે જાણીતું નામ બની ગયો હતો. ફિલ્મની દમદાર કમાણી જોતા તેની બોલીવુડ રિમેક બનાવવાનો સંદીપને વિચાર આવ્યો, અને એ માટે તેણે સૌથી પહેલા રણવીર સિંહને અપ્રોચ કર્યો હતો, તેવું સંદીપ રેડ્ડી વાંગાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે. પરંતુ રણવીર સિંહે આ ફિલ્મ ‘અત્યંત નકારાત્મક’ છે તેવું કહીને સંદીપને ના પાડી દીધી હતી. એ પછી સંદીપે શાહિદ કપૂરનો સંપર્ક સાધ્યો હતો અને આ ફિલ્મે 400 કરોડની કમાણી કરી હતી.
સંદીપે એમ પણ જણાવ્યું હતું કે શાહિદ માટે તેઓ ઘણા કન્ફ્યુઝ્ડ હતા, કેમકે શાહિદે મુખ્ય પાત્ર ભજવ્યું હોય તેવી એકપણ ફિલ્મે આજદિન સુધી 100 કરોડની કમાણી કરી ન હતી. લોકોએ સંદીપને કહ્યું હતું કે જો ફિલ્મ બોક્સઓફિસ પણ સારી કમાણી કરે તેવું ઇચ્છતા હોય તો તેમણે શાહિદને બદલે કોઇ અન્ય સફળ અભિનેતાને લેવા જોઇએ, પરંતુ સંદીપને શાહિદ પર વિશ્વાસ હતો.
સંદીપ રેડ્ડી વાંગાએ હવે રણબીર કપૂરને લઇને ‘એનિમલ’ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થવા જઇ રહી છે.