મનોરંજનસ્પોર્ટસ

Women’s Premier League મૅચ જોવા આવી આ વિમેન સેલિબ્રિટીઝ

છેલ્લા બૉલે એક રનના માર્જિનથી આવ્યું રિઝલ્ટ: જાણો કઈ ટીમે કેવી રીતે જીત મેળવી

નવી દિલ્હી: મહિલાઓની ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલતી હોય અને વિમેન સેલિબ્રિટી ન આવે એવું ક્યારે બને?

રવિવારે પાટનગરમાં વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની દિલ્હી કૅપિટલ્સ (ડીસી) અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી) વચ્ચે રોમાંચક મૅચ રમાઈ હતી જે જોવા નામાંકિત મહિલાઓ આવી હતી. ઍક્ટ્રેસ કરીના કપૂર અને વર્લ્ડ ચૅમ્પિયન બૉક્સર એમસી મૅરી કૉમ આ ઇવેન્ટમાં ખાસ આકર્ષણો હતી. વિવ રિચર્ડ્સની પુત્રી અને ડિઝાઇનર મસાબા ગુપ્તા તેમ જ પત્રકાર ફાયે ડિસોઝા અને ઑન્ટ્રપ્રનર વિનીતા સિંહ પણ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં હાજર હતી.


કરીનાને ટૉસ ઉછાળવાનું સૌભાગ્ય મળ્યું હતું. મૅચ પહેલાંની આ પ્રારંભિક વિધિ માટે તે મેદાન પર આવી ત્યારે પ્રેક્ષકોએ તેને તાળીઓથી વધાવી લીધી હતી. મૅરી કૉમ હજારોની સંખ્યામાં પ્રેક્ષકો સ્ટેડિયમમાં હાજર હતા એનાથી ખૂબ ખુશ થઈ ગઈ હતી અને થ્રિલરવાળી મૅચ જોવા મળી તેમ જ આ ક્રિકેટ મુકાબલો જોવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ આવી હતી એની ખુશી તેણે સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી હતી.


બૅન્ગલોર અને ડીસી વચ્ચેની મૅચ એટલી હદે રોમાંચક થઈ ગઈ હતી કે એનું પરિણામ છેલ્લા બૉલે ફક્ત એક રનના માર્જિનથી આવ્યું હતું.


દિલ્હીની કૅપ્ટન મેગ લેનિંગે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. ખુદ લેનિંગ 29 રન બનાવી શકી હતી અને તેણે શેફાલી વર્મા (23 રન) સાથેની જોડીમાં 54 રનની ભાગીદારી કર્યા પછી વિકેટ ગુમાવી હતી. જોકે શેફાલીની અને લેનિંગની વિકેટ પડ્યા બાદ જેમાઇમા રૉડ્રિગ્સ (36 બૉલમાં 58 રન) અને ઍલીસ કૅપ્સી (32 બૉલમાં 48 રન) વચ્ચે ત્રીજી વિકેટ માટે 97 રનની પાર્ટનરશિપ થઈ હતી. દિલ્હીએ 20 ઓવરમાં પાંચ વિકેટે 181 રન બનાવ્યા હતા. 182 રનના લક્ષ્યાંક સામે બૅન્ગલોરની કૅપ્ટન સ્મૃતિ મંધાના (પાંચ રન) બીજી જ ઓવરમાં આઉટ થઈ ગઈ હતી, પણ સૉફી મૉલિનૉકસ (30 બૉલમાં 33 રન) અને એલીસ પેરી (32 બૉલમાં 49 રન) વચ્ચે બીજી વિકેટ માટે 80 રનની ભાગીદારી થઈ હતી અને એને આધારે જ બૅન્ગલોરની પછીની બૅટર્સ ફાયદો ઉઠાવીને ટીમને જીત અપાવી શકી હોત, પરંતુ દિલ્હીની સાત બોલર્સ સામે બૅન્ગલોરની ટીમ જાણે પ્રેશરમાં આવી ગઈ હતી. માત્ર વિકેટકીપર રિચા ઘોષ (51 રન, 29 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) શાનદાર ઇનિંગ્સ રમી હતી, પરંતુ બૅન્ગલોરની ટીમ 20 ઓવરમાં સાત વિકેટના ભોગે 182 રનને બદલે 180 રન બનાવી શક્તા દિલ્હીનો એક રનથી વિજય થયો હતો.


છેલ્લા છ બૉલમાં બૅન્ગલોરે 17 રન બનાવવાના હતા. જોનસનની એ ઓવરની શરૂઆત રિચાએ સિક્સરથી કરી હતી, પણ ત્રીજા બૉલે તેની જોડીદાર દિશા કાસત રનઆઉટ થઈ ગઈ હતી. રન લેવા દોડેલી બન્ને બૅટર ક્રોસ થઈ ગઈ હોવાનું મનાતું હતું જે મુજબ રિચા આઉટ થઈ હોત. જોકે બન્ને ક્રોસ નહોતી થઈ એવું અમ્પાયરે નક્કી કરતા રિચા બચી ગઈ હતી. તેણે ચોથા બૉલમાં બે રન લીધા પછી પાંચમા બૉલે છગ્ગો પણ માર્યો હતો અને છેલ્લા બૉલમાં બે રન બનાવવાના હતા, પરંતુ આ વખતે ખુદ રિચા રનઆઉટ થઈ જતાં દિલ્હીએ એક રનથી વિજય મેળવ્યો હતો.
જેમાઇમાને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર મળ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button