બોલિવૂડના આ કિસના કિસ્સાઓથી મચી હતી ધમાલ
હાલમાં બોલિવૂડ સિંગર ઉદિત નારાયણ ચર્ચામાં છે. ઉદિત નારાયણનો એક વીડિયો હાલમાં વાયરલ થયો છે, જેમાં તેઓ લાઇવ કોન્સર્ટ દરમિયાન એક ફિમેલ ફેનને કિસ કરતા જોવા મળ્યા હતા.
હકીકતમાં લાઇવ કોન્સર્ટમાં ટીપ ટીપ બરસા ગીત ચાલી રહ્યું હતું. એ વખતે સિંગર ઉદિત નારાયણ ગીત પર પર્ફોર્મ કરી રહ્યા હતા. એ સમયે કેટલીક ફિમેલ ફેન્સ તેમની સાથે સેલ્ફી લેવા માટે સ્ટેજ પાસે આવી. ઉદિત નારાયણે તેમની સાથે તસવીર ખેંચાવી અને ત્યાર બાદ એમાંની એક ફિમેલ ફેનને હોઠ પર કિસ જડી દીધી હતી.
સિંગરની આ હરકતની સોશિયલ મીડિયા પર ઘણી આલોચના કરવામાં આવી રહી છે. ઉદિત નારાયણે પણ આ ઘટના અંગે સફાઇ આપી છે અને જણાવ્યું છે કે તેઓ એક સભ્ય સમાજમાંથી આવે છે. કોન્સ્ર્ટ દરમિયાન ઘણા લોકો અમારી પાસે આવે છે, હાથ મેળવે છે, ગળે લગાવે છે, પ્રેમ જતાવે છે, કોઇ હાથ પર કિસ પણ કરે છે. આ બધી દિવાનગી હોય છે. એ સમયે અમારી આસપાસ બોડીગાર્ડ હોય છે. આ બધું ક્ષણવાર માટે હોય છે. એને આટલું બધું મહત્વ ના આપવું જોઇએ. હું અને મારો પુત્ર આદિત્ય વિવાદોથી દૂર રહેવામાં માનીએ છીએ, પણ લોકોને કદાચ આ વાત માફક નથી આવતી.
વેલ, ઉદિત નારાયણની વાત છોડી દઇએ તો પણ બોલિવૂડમાં ઘણી કોન્ટ્રોવર્સિયલ કિસ નોંધાઇ છે. આપણે એના પર એક નજર કરીએ
મહેશ ભટ્ટ અને પૂજા ભટ્ટ
90ના દશકમાં એક મેગેઝિનના કવર માટે મહેશ ભટ્ટ અને એમની દીકરી પૂજા ભટ્ટે લિપલૉક કરતું ફોટોશૂટ કરાવ્યું હતું. આ તસવીર અંગે ભારે વિવાદ પણ થયો હતો. આ તસવીર એક મેગેઝિનના કવર પેજ પર આવી હતી. લોકોએ બાપ-દીકરીના સંબંધો પર પણ સવાલ ઉઠાવ્યા હતા. લોકોએ બંનેનો ભારે વિરોધ કર્યો હતો. આ વિવાદને વધુ વકરાવતા એ સમયે મહેશ ભટ્ટે એવું નિવેદન કર્યું હતું કે જો પૂજા ભટ્ટ મારી દીકરી ના હોત તો મેં એની સાથે લગ્ન કરી લીધા હોત. તો એમની દીકરી પૂજાએ પણ બેફિકરાઇથી જણાવ્યું હતું કે તેને આ વાતનો કોઇ અફસોસ નથી.
રિચર્ડ ગેરે અને શિલ્પા શેટ્ટીઃ-
આ ફેમસ કિસનો કિસ્સો 2007નો છે. દિલ્હીમાં એક જાગૃતિ અભિયાન દરમિયાન હોલીવૂડ અભિનેતા રિચર્ડ ગેરેએ અભિનેત્રી શિલ્પા શેટ્ટીને ગાલ પર કિસ કરી હતી. શિલ્પા પણ આ કિસથી ક્ષણભર માટે તો સ્તબ્ધ થઇ ગઇ હતી. આ કિસ બાદ દેશમાં ભારે હોબાળો થયો હતો. વિદેશી કલાકાર રિચર્ડને તો કોઇ શું કહી શકે, પણ શિલ્પા શેટ્ટી પર અશ્લીલતા ફેલાવાનો આરોપ લાગ્યો હતો. તેની સામે જયપુર, અલવર અને ગાઝિયાબાદમાં એફઆઇઆર નોંધાવવામાં આવી હતી. જોકે, બાદમાં તેની સામેના આરોપો કાઢી નાખવામાં આવ્યા હતા.
મીકા સિંહ અને રાખી સાવંત
આ બંને કલાકારોની કિસે પણ લાઇમલાઇટ ઝૂંટવી હતી. 2006ની સાલમાં રાખી સાવંતની બર્થ ડે પાર્ટીમાં મીકા સિંહે તેને લીપ કિસ કરી હતી. આ કિસ બાદ રાખી ગુસ્સે થઇ ગઇ હતી અને મીકા સિંહ સામે એફઆઇઆર પણ નોંધાવવામાં આવી હતી. કોર્ટમાં લાંબા સમય સુધી આ મામલે કેસ ચાલ્યો હતો. ત્યાર બાદ છેક 2022માં હાઇ કોર્ટે આ કેસ બરતરફ કર્યો હતો.
પ્રિન્સ ચાર્લ્સ અને પદ્મિની કોલ્હાપુરેઃ-
80ના દાયકાનો લોકપ્રિય અભિનેત્રી અને હાલની આશાસ્પદ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની માસી પદ્મિની કોલ્હાપુરેએ તેના જમાનામાં બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સને કિસ કરીને વિવાદ જગાવ્યો હતો. એ સમયે પદ્મિની તેની ફિલ્મ આહિસ્તા હિસ્તાનું શૂટિંગ કરી રહી હતી અને બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ ભારતના પ્રવાસે આવ્યા હતા. તેમણે શૂટિંગ જોવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે તેમને આહિસ્તા આહિસ્તાના સેટ પર લઇ જવામાં આવ્યા જ્યાં પદ્મિનીનું શૂટ ચાલી રહ્યું હતું. પદ્મિનીએ સેટ પર તેમનું ફૂલોના હાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું અને ત્યાર બાદ આગળ વધીને તેણે પ્રિન્સ ચાર્લ્સને ગાલ પર ચુંબન કર્યું હતું. એ સમયે આ અંગે ઘણો ઉહાપોહ થયો હતો અને તેની તસવીર છેક બ્રિટનના અખબારોમા છપાઇ હતી અને મરાઠી મુલગી ફેમસ થઇ ગઇ હતી.
બિપાશા બાસુ અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
આ ઘટના પણ 2007ની છે. આ સમયે બિપાશા બાસુ જહ્નો અબ્રાહમને ડેટ કરી રહી હતી. તે સમયે તેની ફેમસ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથેની કેટલીક તસવીરો બહાર આવી હતી. આ તસવીરોમાં બિપાશા અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. ત્યાર બાદ બિપાશા બાસુ અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના સંબંધો વિશએ ઘણો ઉહાપોહ થયો હતો. લોકોએ બિપાશાને ટુ ટાઇમર પણ ગણાવી દીધી હતી.
આ પણ વાંચો…પીડાથી કણસતો હતો છતાં કોન્સર્ટ કર્યો; સોનુ નિગમે વિડીયો શેર કરી કહીં આ વાત
શાહિદ કપૂર અને કરીના કપૂરઃ-
એક જમાનામાં શાહિદ કપૂર અને કરીના કપૂરની કિસે પણ લાઇમલાઇટ લૂંટી હતી. બંને એક સમયે રિલેશનશીપમાં હતા. 2004મા તેમનો કિસનો એક ફોટો લીક થયો હતો. મીડિયામાં સાર્વજનિક સ્થળે શાહિદ અને કરીનાનો લીપલોકની તસવીર પ્રકાશિત થઇ હતી. આ તસવીર જાહેર થતા જ હંગામો મચી ગયો હતો. દરેક અખબારો અને ટીવી ચેનલોમાં શાહિદ કપૂર અને કરીના કપૂર છવાઇ ગયા હતા. વર્ષો બાદ શાહિદે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે કરીના સાથેનો તેનો અંગત ફોટો લીક થયા બાદ તેનુ જીવન સાવ બદલાઇ ગયું હતું. શાહિદ કપૂર તો હવે મીરા રાજપૂત સાથે લગ્ન કરીને ઠરીઠામ થઇ ગયો છે અને કરીના કપૂર પણ સૈફ અલી ખાન સાથે પરણીને જીવનમાં ઘણી આગળ વધી ગઇ છે.