તાજમહેલ ‘મકબરો’ કે ‘મંદિર’? પરેશ રાવલના ફિલ્મના ટ્રેલરથી છેડાયો નવો વિવાદ!

મુંબઈ: આ વર્ષની સૌથી વિવાદાસ્પદ ફિલ્મોમાંની એક ગણાતી ‘ધ તાજ સ્ટોરી’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં દિગ્ગજ અભિનેતા પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં છે, જે તાજમહેલના ગાઈડ ‘વિષ્ણુ દાસ’નું પાત્ર ભજવી રહ્યા છે. ટ્રેલરમાં તેઓ આ ઐતિહાસિક સ્મારકના ઉદ્ભવ પર સવાલો ઉઠાવે છે અને તેની વાસ્તવિકતા જાણવા માટે DNA ટેસ્ટ કરાવવાની માંગ કરે છે. વિવાદાસ્પદ વિષયને કારણે આ ફિલ્મ રિલીઝ પહેલા જ ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.
ટ્રેલરમાં ઉઠાવાયા સવાલો
ટ્રેલરની શરૂઆત પરેશ રાવલના પાત્ર દ્વારા તાજમહેલને પોતાનું મંદિર કહેવાથી થાય છે. ત્યારબાદ તેઓ સવાલ કરે છે કે શું આ સ્મારક ખરેખર મુઘલ બાદશાહ શાહજહાં દ્વારા બનાવેલો મકબરો છે કે કોઈ પ્રાચીન મંદિર? મામલો કોર્ટ સુધી પહોંચે છે, જ્યાં પરેશ રાવલ સ્મારકનો DNA ટેસ્ટ કરાવવાની માંગ કરે છે. ટ્રેલરમાં તાજમહેલ નીચેના 22 છુપાયેલા રૂમો અને ત્યાંની વસ્તુઓ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

પોસ્ટરથી શરૂ થયો હતો વિવાદ
‘ધ તાજ સ્ટોરી’નો સૌથી મોટો વિવાદ તેના પહેલા પોસ્ટરથી શરૂ થયો હતો, જેમાં પરેશ રાવલ તાજમહેલના ગુંબજને ઊંચકતા દેખાય છે અને તેની નીચે ભગવાન શિવની આકૃતિ નજર આવે છે. નિર્માતાઓએ આને પ્રતીકાત્મક દ્રશ્ય ગણાવ્યું હતું, પરંતુ આ પોસ્ટરથી સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયાઓ આવી હતી અને ઘણા લોકોએ તેને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારું ગણાવ્યું હતું.
યુઝર્સે વ્યક્ત કરી નારાજગી
પોસ્ટર રિલીઝ થયા બાદ ઘણા યુઝર્સે નારાજગી વ્યક્ત કરી હતી. કેટલાક યુઝર્સે ‘ચંદ પૈસો’ માટે આવો વિવાદ ઊભો કરવા બદલ ફિલ્મના નિર્માતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. પરેશ રાવલની આ વિવાદાસ્પદ ફિલ્મ 31 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
આ પણ વાંચો…હવે આ ફિલ્મના પોસ્ટરને કારણે પરેશ રાવલ વિવાદમાં સપડાયા, જાણો કારણ?