‘ફૌજી’ ફિલ્મમાં દિશા પટણીને કાસ્ટ કરવા મુદ્દે પ્રોડક્શન ટીમે કરી નાખી મોટી સ્પષ્ટતા

મુંબઈઃ સાઉથના સુપરસ્ટાર પ્રભાસની આગામી પીરિયડ ડ્રામા ફિલ્મ “ફૌજી”માં બોલીવુડ દિવા દિશા પટણી સેકન્ડ લીડ તરીકે કાસ્ટ કરવામાં આવી હોવાના તાજેતરના અહેવાલોને ફિલ્મની પ્રોડક્શન ટીમે નકારી કાઢ્યા છે. એટલું જ નહીં, પ્રોડ્ક્શન ટીમે સ્પષ્ટતા કરી છે કે તેઓએ આ ભૂમિકા માટે ક્યારેય અભિનેત્રીનો સંપર્ક કર્યો નથી.

એક અહેવાલ મુજબ એક પ્રોડક્શન હેડે પુષ્ટિ કરી હતી કે, “આ બધી અફવા છે, અને અમે દિશા પટણીનો સંપર્ક કર્યો નથી. મહિલા મુખ્ય પાત્ર માટે કાસ્ટિંગ પૂર્ણ થઈ ગયું છે, અને સેકન્ડ લીડ હોવાના સમાચાર ખોટા છે.”
દિશાએ હજુ સુધી આ અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. અગાઉ, એવા અહેવાલ હતા કે દિશા ફૌજીમાં બીજી મહિલા મુખ્ય ભૂમિકા ભજવશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે એક્શનથી ભરપૂર આ ફિલ્મમાં ‘ગ્લેમર’ વધારવા માટે દિશાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સીતા રામમ ફેમ હનુ રાઘવપુડી દ્વારા નિર્દેશિત, ફૌજી એ એક પિરિયડ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મના તેલુગુ વર્જનમાં મહિલા લીડ તરીકે ઈમાનવી ઈસ્માઈલે ડેબ્યુ કર્યું છે.

તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં નિર્માતા રવિ યેરનેનીએ ફિલ્મના નિર્માણ અંગે અપડેટ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ફિલ્મ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે અને ખૂબ જ સારી બની છે. તે પ્રેમ અને રોમાંસના સુંદર તત્વો સાથેનો એક પીરિયડ ડ્રામા છે. અમને ખાતરી છે કે તે બ્લોકબસ્ટર હીટ થશે.

દિશા પટણી આ પ્રોજેક્ટનો ભાગ નથી, પણ ફૌજીમાં મજબૂત સ્ટારકાસ્ટ છે. આ ફિલ્મમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરને કાસ્ટ કરવામાં આવ્યા છે, તેમની સાથે દિગ્ગજ કલાકારો જયા પ્રદા અને મિથુન ચક્રવર્તી પણ છે. આ ફિલ્મને લઈને પ્રભાસના ફેન્સ ખુબ ઉત્સાહિત છે. દરમિયાન, દિશા છેલ્લે ‘સૂર્યા’ અને બોબી દેઓલ સાથે ‘કંગુવા’માં જોવા મળી હતી. તે આગામી સમયમાં અક્ષય કુમાર અને અન્ય સાથે ‘વેલકમ ટુ ધ જંગલ’માં જોવા મળશે.