1લી જાન્યુઆરીથી ટીવી પર જોવા મળશે ‘રામાયણ’નો નવો અવતાર..
ભારતની પૌરાણિક ગાથાઓમાંથી સૌથી વધુ લોકપ્રિય એવા 2 મહાકાવ્યો ‘રામાયણ’ અને ‘મહાભારત’ છે, જેનું ગમે તેટલીવાર, ગમે તે સ્વરૂપે પુનરાવર્તન થાય દર્શકો માટે તે હંમેશા આવકાર્ય હોય છે.
સોની એન્ટરટેઇનમેન્ટ ચેનલ પર આવતા વર્ષથી ‘રામાયણ’ની નવા સ્વરૂપમાં રજૂઆત થવાની છે. જેમાં ભગવાન શ્રીરામની કથાને તેના સૌથી સાચા અને શુદ્ધ સ્વરૂપમાં પ્રેક્ષકો સામે મુકવામાં આવશે. ‘શ્રીમદ રામાયણ’ સિરીયલ દર સોમવારથી શુક્રવારે રાતે 9 વાગે પ્રસારિત થશે.
ટીવી અભિનેતા સુજય રેઉ ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવી રહ્યા છે. પોતાના જીવનની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા વિશે જણાવતા સુજય રેઉએ કહ્યું હતું કે, “શ્રીમદ રામાયણમાં ભગવાન રામની ભૂમિકા મેળવીને હું સન્માનિત અને ઉત્સાહિત અનુભવી રહ્યો છું. આવા અત્યાધિક પૂજાતા દેવતાનું પાત્ર નિભાવવું એ સરળ નથી. આ એક ગાઢ જવાબદારી અને અભૂતપૂર્વ આધ્યાત્મિક યાત્રા છે. ભગવાન રામની કથાનું હંમેશા મારા દિલમાં એક ખાસ સ્થાન છે. અને તેમની યાત્રાને જીવંત કરવાની આ તક મારા માટે એક સપનું સાચું થવા જેવું છે.” તેમ સુજય રેઉએ જણાવ્યું હતું.