‘The Buckingham Murders’કરીનાનું બેજોડ પરફોર્મન્સ અને સસ્પેન્સ તમને સીટ પર જકડી રાખશે…
બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન છેલ્લા કેટલાક સમયથી મહિલા કેન્દ્રિત ફિલ્મોમાં તેની અભિનયક્ષમતા દર્શાવી રહી છે. તેની એક્ટિંગના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ વખતે હંસલ મહેતા નિર્દેશિત ક્રાઈમ-થ્રિલર ફિલ્મ ‘ધ બકિંગહામ મર્ડર્સ’માં તેની એક્ટિંગ વધુ નિખરી છે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન એક મહિલા કોપની જટિલ, જીવંત અને સંવેદનશીલ ભૂમિકા ભજવતી જોવા મળે છે. આ ફિલ્મ આજે એટલે કે 13 સપ્ટેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મ જોતા પહેલા તેનો રિવ્યુ જાણી લો.
માતાપિતા માટે, તેમનું બાળક વિશ્વની સૌથી કિંમતી ભેટ હોય છે. એવામાં જેણે પોતાનું બાળક ગુમાવ્યું છે તે જ તેના બાળકને ગુમાવવાનું દુઃખ સમજી શકે છે. તમે અને હું કે દુનિયાવાળા તો ફક્ત તેને સાંત્વના જ આપી શકીએ છીએ, પરંતુ જીવન કોઈ માટે અટકતું નથી. તમારા દુઃખોને મનના એક ખુણે ઢબુરીને તમારે આગળ વધવાનું જ છે. તમારે કામ કરવાનું જ છે. આવું જ કંઈક ફિલ્મ ‘ધ બકિંગહામ મર્ડર્સ’માં કરીના કપૂર ખાનના પાત્ર જસમીત ભામરા ઉર્ફે જાઝ પર વીતી રહ્યું છે.
જસમીત ભામરા (કરીના) યુકેમાં ડિટેક્ટીવ સાર્જન્ટ તરીકે કામ કરે છે. જસમીતના પુત્રની એક કટ્ટરવાદીએ ગોળી મારીને હત્યા કરી હતી, જેનું દર્દ તે ભૂલી શકતી નથી. તેના પુત્રના ખૂનીને દોષિત ઠેરવવામાં આવે છે. ત્યાર બાદ જસમીત જે ઘરમાં રહે છે ત્યાં તેના બાળકની યાદોથી ત્રાસીને બકિંગહામશાયરમાં ટ્રાન્સફર લઇ લે છે. અહીં ફરજમાં જોડાયા પછી, તેને ગુમ થયેલા કિશોર બાળકનો કેસ સોંપવામાં આવે છે. જ્યારે જસમીત કેસ લેવાનો ઇનકાર કરે છે, ત્યારે તેના બોસ તેને કહે છે કે હું જાણું છું કે તને શું થયું છે. પરંતુ કામ કામ છે અને તારે તે કરવું જ પડશે.
આ મામલો એક શીખ બાળકના ગુમ થવાનો છે, જેનું નામ ઈશપ્રીત કોહલી છે. પૂછપરછ અને તપાસમાં, પોલીસ અને ભામરાની ટીમને ઇશપ્રીત મૃત મળી આવ્યો હતો. તે કેવી રીતે મૃત્યુ પામ્યો, કોણે અને શા માટે માર્યો? જસમીત ભામરાએ આ સવાલોના જવાબ શોધવાના છે. ઇશપ્રીતના મૃત્યુના જટિલ રહસ્યને ઉકેલવા નીકળેલી જાઝને એવી બાબતો સામે આવવાની છે જે તેના હોશ ઉડી જશે. તે જ સમયે, તેને તેના પુત્રને એકલા ગુમાવવાનું દુઃખ પણ સહન કરવાનું છે. શું જસમીત આ કરી શકશે?
જસમીતના બોસનું માનવું છે કે કામમાં વ્યસ્ત રહેવાથી જસમીત થોડા સમય માટે પોતાનાદિલના ઘાવોને ભૂલી શકે છે. ઈશપ્રીત કોહલીની હત્યા માટે એક યુવાન પાકિસ્તાની બ્રિટિશ છોકરા (સાકિબ ચૌધરી)ની ધરપકડ કરવામાં આવી છે.
કરીના કપૂર ખાને 40 વર્ષની આધેડ મહિલા જસમીત ભામરાનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. તેના દિલમાં તેના પુત્રને ગુમાવવાનું દુઃખ છલકાઇ રહ્યું છે. જો કે, તે તેની ફરજ અને તેની આસપાસના તણાવપૂર્ણ વાતાવરણથી અજાણ નથી. કરીના કપૂર ખાને ખૂબ જ દમદાર એક્ટિંગ કરી છે. ફિલ્મમાં કરીના ખૂબ જ ભાવુક રૂપમાં જોવા મળી છે, જે પહેલા ભાગ્યે જ જોવા મળ્યું છે. તેના મનની પીડા તેના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. તે જ સમયે, તે ફિલ્મમાં તેની ક્ષમતા, ગુસ્સો અને ડહાપણને સારી રીતે પ્રદર્શિત કરે છે. દરેક ફ્રેમમાં કરીનાનું કામ અદ્ભુત છે. જોકે, કરીનાનું પાત્ર સેન્ટ્રલ હોવા છતાં બાકીના બધા કલાકારોને તેમની પ્રતિભા દર્શાવવા મળી છે.
મૃત બાળક ઈશપ્રીત કોહલીના પિતા દલજીત તરીકે રણવીર બ્રાર ખૂબ જ સારો છે. ડેબ્યુ ફિલ્મમાં પણ તેણે અનુભવી અભિનેતા જેવો અભિનય કર્યો છે. પ્રબલીન સંધુએ પણ ઈશપ્રીતની માતા પ્રીતિ કોહલીના રોલમાં સારું કામ કર્યું છે.
એશ ટંડને દુઃખી પોલીસ ઓફિસરની ભૂમિકાને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. આ બધા સિવાય વિદેશી સ્ટાર્સ કીથ એલન, એશ ટંડન, કપિલ રેડેકર, જોનાથન નેટી, એડવોઆ અકોટો અને અન્યોએ ફિલ્મમાં કામ કર્યું છે. દરેક વ્યક્તિએ પોતાના પાત્રો સાથે ન્યાય કર્યો છે.
દિગ્દર્શક હંસલ મહેતાએ ‘ધ બકિંગહામ મર્ડર્સ’ ફિલ્મ ખૂબ સમજદારીપૂર્વક બનાવી છે. ફિલ્મની વાર્તા અસીમ અરોરા, રાઘવ રાજ કક્કર અને કશ્યપ કપૂરે લખી છે. તેમાં સસ્પેન્સ, થ્રિલ અને ડ્રામા છે. વાર્તા જેટલી રસપ્રદ અને સસ્પેન્સફુલ છે તેટલી જ સારી રીતે હંસલે તેને પડદા પર દર્શાવી છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી, પ્રોડક્શન ડિઝાઈન અને સાઉન્ડ ડિઝાઈન પણ ઉત્તમ છે.
આ ફિલ્મ તમને ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર કરે છે અને શરૂઆતથી અંત સુધી તમને વ્યસ્ત રાખે છે. ફિલ્મમાં તમને જરાય કંટાળો આવશે નહીં. ફિલ્મનું એડિટીંગ અને ગતિ પણ સારી છે. જોકે, ક્રાઈમ-થ્રિલર હોવાથી તેનું ગીત, સંગીત કંઈ ખાસ નહીં હોવાથી કોઇ વાંધો આવતો નથી. આ ફિલ્મ આમ તો અંગ્રેજી ભાષામાં બનાવવામાં આવી છે. જોકે, વચ્ચે વચ્ચે હિંદી ભાષાનો પ્રયોગ થયો છે ખરો. તેનું હિંદી ડબ વર્ઝન પણ રજૂ કરવામાં આવ્યું છે. જો તમે ક્રાઈમ-થ્રિલરના શોખીન હો તો તમારે આ ફિલ્મ એક વાર તો થિયેટરમાં જોવી જ જોઇએ.