Shahid કે Rajnikantની ફિલ્મો કરતા આ ફિલ્મો વધારે ગમી ગઈ છે દર્શકોને
શાહિદ-કૃતિની ફિલ્મ તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા બોક્સ ઓફિસ પર રજનીકાંત સ્ટારર લાલ સલામ સાથે ટકરાઈ છે. જોકે ફિલ્મ અલગ અલગ વિષયો સાથે છે અને બન્નેનો ચાહકવર્ગ પણ અલગ અલગ છે, છતાં બન્ને વચ્ચે સરખામણી થઈ રહી છે.
શુક્રવારે શાહિદ કપૂર-કૃતિ સેનન અભિનીત તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા રિલીઝ થઈ હતી, જે એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. બીજી તરફ, થલાઈવા રજનીકાંતની પેન ઈન્ડિયા સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ લાલ સલામ રિલીઝ થઈ હતી. બંને ફિલ્મોને બોક્સ ઓફિસ પર સારી ઓપનિંગ મળી હતી.
તેરી બાતોં મેં…ફિલ્મમાં રોબોટ અને માનવ વચ્ચેની પ્રેમકથાને કોમિક અંદાજમાં બતાવવામાં આવી છે. ચાહકોએ પહેલા દિવસે મશીન સાથે જોડાયેલ માનવીય લાગણીઓને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો. એક રિપોર્ટ પર નજર કરીએ તો શાહિદ-કૃતિની ફિલ્મે બોક્સ ઓફિસ પર પહેલા દિવસે ઉત્તર ભારતમાં 6.7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સમગ્ર ભારતમાં ફિલ્મનું કલેક્શન 8 કરોડ રૂપિયા સુધીનું હતું. ફિલ્મની પકડ બીજા દિવસે ઢીલી થતી જોવા મળી હતી.
તો બીજી બાજુ પુત્રી ઐશ્વર્યા દ્વારા નિર્દેશિત રજનીકાંતની ફિલ્મ લાલ સલામ માટે પહેલા દિવસે ઉત્તર ભારતમાં બહુ ક્રેઝ જોવા મળ્યો ન હતો. જો કે, બીજા દિવસે, લાલ સલામનો ઓક્યુપન્સી રેટ 17.88 ટકા હતો, જેણે શાહિદ-કૃતિની ફિલ્મને પાછળ છોડી દીધી હતી. રજનીકાંતની સ્પોર્ટ્સ-ડ્રામા ફિલ્મે પ્રથમ દિવસે ઉત્તર ભારતમાં કુલ રૂ. 3.55 કરોડની કમાણી કરી હતી. સમગ્ર ભારતમાં કલેક્શનનો આંકડો 4.1 કરોડ હતો. મુંબઈમાં આ ફિલ્મ રીલિઝ થઈ નથી. રજનીકાંતની ફિલ્મને સારો રિસ્પોન્સ ન મળ્યો હોવાથી થિયેટરમાલિકોએ તેને સ્ક્રીન આપવામાં વધારે ઉત્સુકતા બતાવી ન હતી.
જોકે આ બન્ને ફિલ્મો કરતા જે ફિલ્મોએ સારી કમાણી કરી છે અને હજુ કરે છે તેમાં છે રીતિક રોશનની ફાઈટર. રિલીઝના બે અઠવાડિયા પછી પણ દર્શકો હૃતિક રોશન-દીપિકા પાદુકોણની ફાઈટર જોવા જઈ રહ્યા છે. 17માં દિવસે પણ ફાઈટરનો ઓક્યુપન્સી રેટ 12.12 ટકા રહ્યો હતો. એક એજન્સીના રિપોર્ટ અનુસાર, ફાઈટરએ અત્યાર સુધી દેશભરમાં 189.31 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 17માં દિવસે આ દેશભક્તિની ફિલ્મે ભારતમાં 0.43 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જ્યારે ફાઈટરની 22.5 કરોડની સારી ઓપનિંગ હતી.
જોકે, સૌથી વધારે ઓક્યપન્સી રેટ હાલમાં જે ફિલ્મનો છે તે છે પ્રેમાલુ. હાલમાં રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મ પ્રેમાલુને પણ દર્શકો પસંદ કરી રહ્યા છે. થિયેટરમાં તેનો ઓક્યુપન્સી રેટ 61.99 ટકા હતો. નાસલેન, મમિતા બૈજુ, શ્યામ મોહન અભિનીત આ ફિલ્મની વાર્તા વિવેચકો અને ચાહકો બંનેને આકર્ષી રહી છે. આવનારા અઠવાડિયે શાહીદ અને રજનીકાંતની ફિલ્મ ટકી રહેશે કે કેમ તે જોવું રસપ્રદ બની રહેશે.