થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ ‘જન નાયગન’ વિવાદના વંટોળમાં, સેન્સર બોર્ડ અને હાઈકોર્ટની લડાઈમાં થિયેટરોને 100 કરોડની ખોટ…

સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજયની કારકિર્દીની છેલ્લી અને સૌથી વધુ રાહ જોવાઈ રહી છે એવી ફિલ્મ ‘જન નાયગન’ (Jana Nayagan) હાલમાં કાનૂની ગૂંચવણોમાં ફસાઈ ગઈ છે. સેન્સર બોર્ડ (CBFC) સાથેના વિવાદ અને હાઈકોર્ટના સ્ટેને કારણે ફિલ્મની રિલીઝ અટકી પડી છે, જેની સીધી અસર તમિલનાડુના થિયેટર બિઝનેસ પર પડી રહી છે. ફેન્સ અને થિયેટર માલિકો પણ કાગડોળે ફિલ્મની રીલિઝ ડેટની રાહ જોઈ રહ્યા છે.
થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ ‘જન નાયગન’ છેલ્લાં કેટલાય સમયથી વિવાદોમાં ફસાયેલી છે. સેન્સર બોર્ડ અને કોર્ટની લડાઈમાં થિયેટર માલિકોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ સિવાય ફેન્સમાં પણ આ ફિલ્મની રીલિઝ ડેટને લઈને ઉત્સુક્તા જોવા મળી રહી છે. થલાપતિ વિજયના ચાહકો માટે આ ફિલ્મ ભાવનાત્મક રીતે ખૂબ જોડાયેલી છે કારણ કે એક્ટરે જાહેરાત કરી છે કે આ તેમની છેલ્લી ફિલ્મ હશે, ત્યારબાદ તેઓ સંપૂર્ણપણે રાજકારણમાં સક્રિય થશે.
ફિલ્મ ‘જન નાયગન’ પહેલા નવમી જાન્યુઆરી, 2026ના રોજ પોંગલના તહેવાર પર રિલીઝ થવાની હતી. જોકે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને એક ફરિયાદના આધારે ફિલ્મને ‘રિવાઈઝિંગ કમિટી’ પાસે મોકલી આપી હતી. આ કારણે ફિલ્મના સર્ટિફિકેશનમાં વિલંબ થયો અને નિર્ધારિત તારીખે ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી.
ફિલ્મના નિર્માતાઓ (KVN પ્રોડક્શન્સ) આ મામલે મદ્રાસ હાઈકોર્ટ પહોંચ્યા હતા. શરૂઆતમાં સિંગલ જજની બેન્ચે ફિલ્મના પક્ષમાં ચુકાદો આપીને U/A સર્ટિફિકેટ આપવાનો નિર્દેશ કર્યો હતો. જોકે, ત્યારબાદ ડિવિઝન બેન્ચે આ આદેશ પર રોક લગાવી દીધી હતી. હાલમાં આ મામલે કાનૂની લડાઈ ચાલી રહી છે અને આગામી સુનાવણી પર સૌની નજર છે.
ટ્રેડ એનાલિસ્ટ દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર, ફિલ્મની રીલિઝમાં થઈ રહેલાં વિલંબને કારણે તમિલનાડુના થિયેટર માલિકોને અંદાજે 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. થિયેટરો ખાલી પડ્યા છે અને આખો બિઝનેસ ઠપ થઈ ગયો છે. માલિકો એવી આશા રાખી રહ્યા હતા કે વિજયની છેલ્લી ફિલ્મ હોવાથી તે બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડશે, એમાં કોઈ શંકા જ નથી, પરંતુ કાનૂની ગૂંચવણોએ હાલ પૂરતું તો બધું જ અટકાવી દીધું છે.
વાત કરીએ ફિલ્મના સ્ટાર કાસ્ટ અને ડિરેક્શનની તો એચ. વિનોથના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં થલાપતિ વિજય લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય આ ફિલ્મમાં પૂજા હેગડે, બોબી દેઓલ, મમિતા બૈજુ, ગૌતમ વાસુદેવ મેનન, પ્રિયમણિ અને નરેન જેવા કલાકારો પણ જોવા મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે થલાપતિ વિજયે ખુદ એ વાતનો સ્વીકાર કર્યો છે કે ફિલ્મના વિલંબથી મને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે અને એમાં પણ ખાસ કરીને પ્રોડ્યુસર્સ અને થિયેટર માલિકોને થતા નુકસાનને લઈને મારું મન ખૂબ જ વ્યથિત છે. આ સિવાય એક્ટરે વધુમાં એવી સ્પષ્ટતા પણ કરી છે કે રાજકારણમાં પ્રવેશ્યા પછી આવી મુશ્કેલીઓ આવશે તેનો મને પહેલાંથી જ ખ્યાલ હતો.



