પોતાના દીકરા માટે આખી દુનિયા સામે બાથ ભીડશે Tapsee Pannu
હાલમાં ઓટીટી પ્લેટફોર્મ પર બોલીવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુની ફિલ્મ ફિર આઈ હસીન દિલરૂબા ધમાલ મચાવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓટીટી પર રીલિઝ થયેલી આ ફિલ્મ હસીન દિલરૂબાની સિક્વલ છે. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. પરંતુ હવે તાપસી ઓટીટી પ્લેટફોર્મ પર વધુ એક ધમાકો કરવા તૈયાર છે. નવ વર્ષ બાદ તાપસી હવે દમદાર એક્શન દેખાડવા માટેની તૈયારી કરી રહી છે.
સૂત્રોની વાત પર વિશ્વાસ કરીએ તો તાપસી ટૂંક સમયમાં જ ફિલ્મ ગાંધારીમાં દમદાર એક્શન કરતી જોવા મળશે. આ ફિલ્મને દેવાશિષ મખીજા ડિરેક્ટ કરી રહ્યા છે અને કનિકા ઢિલ્લોં પ્રોડ્યુસર છે. તાપસી અને કનિકા આ પહેલાં પણ અનેક ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. ફરી એક વખત તાપસી અને કનિકાની દોડી કમાલ અને ધમાલ મચાવવા માટે તૈયાર છે.
આ ફિલ્મની વાર્તા એક મા-દીકરાના પ્રેમ પર આધારિત છે. ફિલ્મમાં તાપસી પન્નુ માતાના રોલમાં જોવા મળશે અને તે સ્ક્રીન પર એક્શન કરતી જોવા મળશે. અહીંયા તમારી જાણ માટે કે નવ વર્ષ પહેલાં ફિલ્મ બેબીમાં તાપસીએ દમદાર એક્શન કર્યું હતું અને હવે ફરી એક વખત તાપસી એક્શન કરવા તૈયાર છે.
તાપસીએ જણાવ્યું હતું કે મેં નવ વર્ષ પહેલાં એક્શન ફિલ્મ કરી હતી. લાંબા સમયથી હું આવું કોઈ રોલ કરવાનું વિચારી રહી હતી અને રાહ જોઈ રહી હતી કે જે મને ચેલેન્જ કરે. હું એક જાસુસનો રોલ કરી ચૂકી છું. હવે એક માના રોલમાં મારા માટે નવા નવા પડકારો સામે આવશે.
ફિલ્મમાં તાપસી પોતાના દીકરા માટે આખી દુનિયા સામે ભીડી જાય છે. આ સ્ટોરીમાં બદલો સૌથી મહત્ત્વનો છે અને એટલે જ આ ફિલ્મ વધારે ઈન્ટરેસ્ટિંગ બનવાની છે. ફિલ્મ ઓટીટી પર રીલિઝ થવા જઈ રહી છે, પરંતુ ફિલ્મ ઓટીટી પ્લેફોર્મ પર ક્યારે રીલિઝ થશે એ અંગે કોઈ જાહેરાત નથી કરવામાં આવી.