‘લાપતા લેડિઝ’ બાદ આ ફિલ્મની ઓસ્કરમાં એન્ટ્રી…
કિરણ રાવની ફિલ્મ ‘લાપતા લેડિઝ‘ ઓસ્કર એવોર્ડ્સ 2025ની રેસમાં ઉતર્યા બાદ હવે રણદીપ હુડા અને અંકિતા લોખંડેની ફિલ્મ ‘સ્વતંત્ર્યવીર સાવરકર’ પણ ઓસ્કાર રેસમાં ઉતરી છે. સોશિયલ મીડિયા પર રણદીપ હુડા, અંકિતા લોખંડે અને નિર્માતા સંદીપ સિંહ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી છે. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મને ઓસ્કાર માટે સત્તાવાર રીતે સબમિટ કરવામાં આવી છે. લાપતા લેડિઝ ફિલ્મ લોકોને પણ ઘણી પસંદ આવી છે.
આ પણ વાંચો : લાપતા લેડીઝને ઓસ્કારમાં મોકલવી એ મૂર્ખતાપૂર્ણ! સોશિયલ મીડિયા પર ચર્ચા
પોસ્ટમાં લખ્યું હતું કે અમારી ફિલ્મ સ્વતંત્ર્ય વીર સાવરકરને ઓસ્કર માટે સત્તાવાર રીતે સબમિટ કરવામાં આવી છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાનો આભાર. આ પ્રવાસ અદ્ભુત રહ્યો છે અને આ ફિલ્મ દરમિયાન અમને સાથ આપનાર દરેક વ્યક્તિના અમે આભારી છીએ.
નોંધનીય છે કે ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયા પાસે ઓસ્કરમાં સબમિટ કરવા માટે 29 ફિલ્મોની યાદી હતી, જેમાં સાઉથ, બોલિવૂડની ફિલ્મોનો સમાવેશ થતો હતો. ગઇ કાલે એમ જાણવા મળ્યું હતું કે ‘લાપતા લેડિઝ’ ઓસ્કરમાં મોકલવામાં આવી છે. આજે હવે જાણવા મળ્યું છે કે સ્વતંત્ર્ય વીર સાવરકર ફિલ્મને પણ ઓસ્કરમાં મોકલવામાં આવશે.
રણદીપ હુડાએ આ ફિલ્મમાં માત્ર અભિનય જ નથી કર્યો પરંતુ તેનું નિર્દેશન પણ કર્યું છે. દિગ્દર્શક તરીકે રણદીપની આ પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન રણદીપને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, અમને ઘણી આર્થિક સમસ્યાઓ હતી. મારા પિતાએ મુંબઈમાં ખરીદેલા 2-3 એપાર્ટમેન્ટ્સ મેં વેચી દીધા અને તમામ પૈસા આ ફિલ્મ પાછળ ખર્ચી નાખ્યા. આ ફિલ્મમાં અમને કોઈનો સાથ મળ્યો નથી.
આ ફિલ્મની ઓસ્કરમાં એન્ટ્રી થયા બાદ સેલિબ્રિટીઝ અને ચાહકો સોશિયલ મીડિયા પર ફિલ્મની ટીમને અભિનંદન આપી રહ્યા છે.