સ્વરા ભાસ્કર પોસ્ટ કરે અને વિવાદ ન જાગે તેવું બને? આ લો નવી પોસ્ટ ને નવો વિવાદ

અભિનેત્રી સ્વરા ભાસ્કર હાલમાં સંતાનના ઉછેરમાં વ્યસ્ત છે અને ફિલ્મોથી દૂર છે, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી તે સમાચારોમાં રહે છે અને મોટે ભાગે તો તેની પોસ્ટ વિવાદ જ જગાવે છે. ફરી તેણે આવી જ એક પોસ્ટ કરી છે. આમ પણ સ્વરા પોસ્ટ કરે અને વિવાદ ન જાગે તેમ બને જ નહીં.
સ્વરા ભાસ્કરની પોસ્ટ થિયેટરોમાં ધૂમ મચાવી રહેલી ફિલ્મ છાવા પર છે. જોકે તેનો ટાર્ગેટ ફિલ્મ કે વિકી કૌશલ નથી, પરંતુ દેશની જનતા છે. છાવા ફિલ્મનો ક્લાઈમેક્સ સિન ભારે લોકપ્રિય બન્યો છે. ઈતિહાસકારો પ્રમાણે છત્રપતિ સંભાજી મહારાજને કેદ કરી ઔરંગઝેબે 45 દિવસ તેના પર અત્યારચાર ગુજાર્યો હતો. આ સિન ફિલ્મમાં પણ બતાવવામાં આવ્યો છે જે જોઈને ઘણા દર્શકો થિયેટરમાં જ રડતા જોવા મળ્યા છે, ભરૂચમાં એક દર્શકે સ્ક્રીન ફાડી નાખ્યો હતો તો અમુક થિયેટરોમાં જય ભવાનીના નારા લાગ્યા હતા.

આ મામલે છાવાનું નામ લીધા વિના સ્વરાએ લખ્યું છે કે અવ્યવસ્થાને લીધે ભાગદોડમાં થયેલા મૃત્યુથી, બુલડોઝરથી મૃતદેહોને ઉઠાવવાની ઘટનાથી ક્રોધિત થવા કરતાં 500 વર્ષ પહેલા હિન્દુઓ પર થયેલી યાતનાઓના અને અમુક રીતે કાલ્પનિક યાતનાઓના ફિલ્મીકરણને જોઈને લોકો વધારે ક્રોધિત થાય છે. આ બુદ્ધિ અને આત્માથી મરી ગયેલો સમાજ છે.
સ્વરાએ મહાકુંભમાં થયેલી ભાગદોડ અને રેલવે સ્ટેશન પર મચેલી ભાગદોડનો ઉલ્લેખ ન કરતા અને છાવા ફિલ્મનો પણ ઉલ્લેખ ન કરતા પોસ્ટ કરી હતી.
આ પણ વાંચો : લોઅર પરેલમાં છાવા જોવા ગયેલા દર્શકો બન્યા આક્રમકઃ ઠાકરે જૂથના નેતાએ કરવો પડ્યો હસ્તક્ષેપ
જોકે નેટિઝન્સ તેને વખોડી રહ્યા છે અને અમુક સમર્થન પણ કરી રહ્યા છે.
એકે લખ્યું છે કે સ્વરા એટલે પરેશાન છે કે આ વખતે મુગલોનો સાચો ઈતિહાસ બતાવાયો છે અને તાજમહેલ અને મોગલ-એ-આઝમ જેવી કાલ્પનિક લવસ્ટોરી નથી બતાવવામાં આવી. અમુક નેટીઝન્સે તેને મહારાષ્ટ્રમાં રહે છે અને મરાઠાઓની ગરિમાને નકારી રહી છે, તેવી ટીપ્પણી પણ કરી છે.