અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પરિવારનો આ સભ્ય ઝંપલાવશે બિહારની ચૂંટણીમાં

પટનાઃ ખૂબ વિવાદાસ્પદ રીતે મોતને ભેટનારા બિહારના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેનોએ ભાઈના મોતનું કારણ શોધવા ખૂબ જ મહેનત કરી. કમનસીબે હજુ સુધી સુશાંતના મોત પાછળનું રહસ્ય હજુ સુધી ઘુંટાતું જ રહ્યું છે. સુશાંતે જાતે મોતને વ્હાલું કર્યું કે તેની હત્યા થઈ કે તેની સાથે શું થયું તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી ત્યારે સિંહ પરિવારનું વધુ એક સદસ્ય જાહેર જીવનમાં આવી રહ્યું છે.

બિહારની ચૂંટણીની તડામાર તૈયારીમાં તમામ રાજકીય પક્ષો પડ્યા છે. દિવાળી બાદ મતદાન અને પરિણામ છે ત્યારે રાજકીય પક્ષો બરાબરની કસરત કરી રહ્યા છે. આ ચૂંટણીના ઉમેદવારોમાં એક નામ દિવ્યા ગૌતમનું પણ છે. દિવ્યા સુશાંતના કાકાની દીકરી એટલે કે પિતરાઈ છે. દિવ્યા ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી લિબરેશનની ટિકિટ પર દીઘા વિધાનસભાથી ચૂંટણી લડી રહી છે.
દિવ્યા ગૌતમ વિશે આ જાણી લો
દિવ્યા ગૌતમ પટના યુનિવર્સિટીની ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, તેણે માસ કોમ્યુનિકેશનની ડિગ્રી મેળવી છે અને લગભગ અઢી વર્ષ સુધી પટના મહિલા કોલેજમાં સહાયક પ્રોફેસર તરીકે પણ કામ કર્યું હતું. તે કોલેજના સમયથી રાજકારણમાં સક્રિય છે અને CPI (ML) ની વિદ્યાર્થી પાંખ, ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA) ની અગ્રણી સભ્ય હતા. 2012 માં, દિવ્યાએ AISA ના પ્રમુખપદના ઉમેદવાર તરીકે પટના યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનની ચૂંટણીમાં ભાગ લીધો હતો અને બીજા સ્થાને રહી હતી. બાદમાં તેમણે 64મી બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) ની પરીક્ષા પાસ કરી હતી અને તેને બિહાર સરકારમાં સપ્લાય ઇન્સ્પેક્ટરનું પદ ઓફર કરવામાં આવ્યું હતું. જોકે, તેણે સરકારી સેવા છોડી દીધી અને સામાજિક કાર્ય અને સંશોધન કરવાનું પસંદ કર્યું. હાલમાં દિવ્યા જુનિયર રિસર્ચ ફેલો (JRF) અને PhD સ્કોલર છે.
સુશાંતને યાદ કરી દિવ્યા રડી પડી
બિહારમાં એનડીએ અને મહાગઠબંધન મુખ્ય બે વચ્ચે રાજનૈતિક જંગ છે. સીપીઆઈ (એમએલ) લિબરેશન બિહારમાં મહાગઠબંધનનો ભાગ છે, જેમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને કોંગ્રેસ પણ સામેલ છે. અન્ય ડાબેરી સાથી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી), અથવા સીપીઆઈ (એમ) એ તેના બે ધારાસભ્યો, અજય કુમાર અને સત્યેન્દ્ર યાદવને અનુક્રમે 14 અને 18 ઓક્ટોબરે ઉમેદવારી નોંધાવવાનું નક્કી કર્યું છે. મીડિયા સાથેની એક મુલાકાતમાં દિવ્યા સુશાંતને યાદ કરી ગળગળી થઈ ગઈ હતી અને તેની યાદ આવે છે, તેમ કહ્યું હતું.
આપણ વાંચો: મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં રાધિકા મર્ચન્ટના હાથમાં જોવા મળ્યો આ મોંઘો ફોન! જાણો કિંમત અને ફીચર્સ…