Sushantsingh Rajputના મોતની કોઈને પરવાહ ન હતી, બધાને મસાલો જોઈતો હતોઃ જાણો કોણે કહ્યુ આમ
દિબાકર બેનર્જીની ફિલ્મ ‘ડિટેક્ટીવ વ્યોમકેશ બક્ષી’ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ચાહકોની પ્રિય ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બહુ મોટી હિટ રહી ન હતી, પરંતુ ધીરે ધીરે આ ફિલ્મને કલ્ટ ફોલોઈંગ મળ્યું અને ફિલ્મમાં સુશાંતના કામની ખૂબ પ્રશંસા થઈ.
હવે દિબાકરે ખુલ્લેઆમ સુશાંતના નિધન અને તેના પછી સર્જાયેલા વાતાવરણ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. જૂન 2020માં સુશાંતનો મૃતદેહ તેના ઘરેથી મળી આવ્યો હતો. તે સમયે, તેમના મૃત્યુનું કારણ આત્મહત્યા હોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ પાછળથી આ કેસમાં કોઈ રમતની શંકાને કારણે આ કેસની તપાસ પહેલા મુંબઈ પોલીસને અને પછી સીબીઆઈને સોંપવામાં આવી હતી. હવે દિબાકરે કહ્યું છે કે આ આખા મામલામાં સુશાંતને ખરા દિલથી યાદ કરતા મેં કોઈને જોયા નથી.
દિબાકર બેનર્જીએ એક મુલાકાતમાં કહ્યું કે જ્યારે સુશાંતનું મોત થયું ત્યારે તેમના મૃત્યુના કારણને લઈને સમાચારોમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. મારે મારી જાતને દરેક વસ્તુથી દૂર કરવી પડી. હું બધું સાંભળતો હતો, પરંતુ કોઈને એવું કહેતા સાંભળ્યા નહોતા કે એક યુવાન અભિનેતાનું અવસાન થયું છે. મેં મારી આસપાસ કોઈને તેના માટે ખરા દિલથી અફસોસ કરતા જોયા નથી. હું જોઈ શકતો હતો કે લોકો મસાલેદાર ગપસપ શોધી રહ્યા હતા. તેથી મારે આ પરિસ્થિતિમાંથી દૂર થવું પડ્યું.
પોતાની વાત આગળ વધારતા દિબાકરે કહ્યું, કોઈ એમ નહોતું કહેતું કે અમે સુશાંતને મિસ કરી રહ્યા છીએ. કોઈ કહેતું નહોતું કે આઉટસાઇડર હોવા છતાં તેણે ટીવી પર કામ કર્યું અને છેલ્લે ફિલ્મોમાં ડેબ્યુ કર્યું. દરેક વ્યક્તિ માત્ર એક ષડયંત્ર વિશે અનુમાન લગાવી રહી હતી કે સુશાંતને કોણે ડ્રગ્સ આપ્યું અને કોણે તેની હત્યા કરી!
સુશાંતના ચાહકો અને નજીકના લોકોને પ્રશ્ન કરતાં દિબાકરે કહ્યું, શ્રદ્ધાંજલિ સભા ક્યાં યોજાઈ હતી? તેમની ફિલ્મોનું સ્ક્રનીંગ ક્યાં હતું? જે લોકો તેને પ્રેમ કરતા હતા તેઓએ તેની ફિલ્મો દેખાડવી જોઈએ અને તેના વિશે વાત કરવી જોઈએ. શા માટે આપણે આ બધી સારી યાદોને સાચવતા નથી? .
ઓયે લકી લકી ઓયે, ખોસલા કા ઘોસલા અને લવ સેક્સ ઔર ધોકા જેવી ફિલ્મો બનાવી ચૂકેલા દિબાકર હવે પોતાની નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. તેની ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા 2’ આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.