સન્ની દેઓલની જાટનો રિવ્યુ સારો, છતાં પહેલા દિવસે થઈ આટલી કમાણી | મુંબઈ સમાચાર
મનોરંજન

સન્ની દેઓલની જાટનો રિવ્યુ સારો, છતાં પહેલા દિવસે થઈ આટલી કમાણી

ગદ્દર-2થી કમબેક કરનાર અભિનેતા સન્ની દેઓલની ફિલ્મ જાટ ગુરુવારે મહાવીર જયંતીની રજાને ધ્યાનમાં રાખી રિલિઝ કરવામાં આવી છે. ફિલ્મે પહેલા દિવસે ખાસ કંઈ ધમાકો કર્યો નથી, પરંતુ નિરાશ થવા જેવું પણ નથી. આ ફિલ્મનું ઑપનિંગ કલેક્શન રૂ.9.5 કરોડ થયું છે. જોકે સન્નીની ગદર-2નું ઑપનિંગ કલેક્શન રૂ. 40 કરોડ હતું અને ફિલમે 550 કરોડની કમાણી કરી હતી.

જાટ ફિલ્મના વાર્તા પ્રમાણમાં સારી છે. એક્શન પેક ફિલ્મમાં સન્ની દેઓલ ઉપરાંત રણદીપ હુડા, સૈયામી ખરે, રમ્યા ક્રિષ્ણન, વિનિત સિંહ સહિતના કલાકારો છે. તમામ કલાકારોના અભિનય તેમ જ ગોપીચંદના ડિરેક્શનના સારા રિવ્યુ મળ્યા છે, પરંતુ ફિલ્મ એડવાન્સ બુકિંગમાં એક કરોડ પણ એકઠા કરી શકી ન હતી.

આપણ વાંચો:  રાજકુમાર રાવની ફિલ્મ ‘ભૂલ ચૂક માફ’નું ટ્રેલર રિલીઝ, જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

ફિલ્મી પંડિતોના જણાવ્યા અનુસાર શનિ-રવિમાં ફિલ્મ સારો રિસ્પોન્સ મેળવશે. હાલમાં થિયેટરમાં સલમાન ખાનની સિકંદર ચાલી રહી છે. સિકંદરે પણ અપેક્ષા કરતા ઓછો બિઝનેસ કર્યો છે. ઈદના દિવસે રિલઝ થયેલી ફિલ્મે માંડ રૂ. 107 કરોડનો બિઝનેસ કર્યો છે. હવે સન્ની દેઓલની ફિલ્મ કેટલી કમાણી કરે છે તે આવતા એકાદ બે અઠવાડિયામાં ખબર પડશે.
શું છે ફિલ્મની વાર્તા જાટ ફિલ્મમાં આંધ્રપ્રદેશના એક ગામની વાત છે જ્યાં રાણાતુંગા (રણદીપ હુડા) નામનો એક ગુંડો દહેશત ફેલાવે છે અને બધાને બાનમાં રાખે છે. એક નાનકડી છોકરી આ મામલે મુખ્ય પ્રધાનને લોહીથી પત્ર લખી ગામને બચાવવા કહે છે. મુખ્ય પ્રધાન સીઆઈડીને તપાસ કરવા કહે છે, દરમિયાન જાટ (સન્ની દેઓલ) ગામમાં આવે છે અને રાણાતુંગાને પાઠ ભણાવે છે. પણ જાટ કોણ છે અને તે કઈ રીતે ગામને સુરક્ષિત રાખે છે તે ફિલ્મ જોયા પછી જ તમને ખબર પડશે.

Back to top button