Happy Birthday: એ મેરે વતન કે લોગો ગાવા માટે સ્ટેજ તરફ ગયા ને…
સિનેમાજગતમાં રાજકારણ પહેલેથી છે અને તેનો ભોગ ઘણા પ્રતિભાશાળી કલાકારો બન્યા છે. આમાંના એક એટલે ખૂબ જ સૂરીલી ગાયિકા સુમન કલ્યાણપુર (Suman Kalyanpur). આજે તેમનો જન્મદિવસ છે. તેમનાં ગીતો સાંભળ્યા બાદ તે લત્તા મંગેશકરે ગાયા છે કે કલ્યાણપુરે તે નક્કી કરવું મુશ્કેલ થઈ જાય. મેરે મહેબૂબ ન જા, ન તુમ હમે જાનો, બહેના ને ભાઈ કી કલાઈ સે જેવા ખૂબ જ કર્ણપ્રિય ગીતો તેમણે ગાયા છે, પરંતુ કહેવાય છે કે અહીં ચાલતી એક પરિવારના મોનોપોલી અને રાજકારણને લીધે તેમને જોઈએ તેટલા નામ અને દામ ન મળ્યા. તેમનો જન્મ 28 જાન્યુઆરી, 1937માં ઢાંકામાં થયો હતો જે હાલમાં બાંગ્લાદેશમાં છે. તેમના પિતા બેંકમાં સારી પોસ્ટ પર હતા અને સંતાનોના સારા ભવિષ્ય માટે મુંબઈ આવીને વસ્યા હતા. સુમનના સારા કંઠને લીધે તેમને સંગીતની તાલીમ આપવામાં આવી હતી. સૌ પ્રથમ મરાઠી ફિલ્મ શુક્રાચી ચાંદનીમાં તેમણે ગીત ગાયું. તે બાદ મંગુ અને તે બાદ દરવાજા ફિલ્મમાં પાંચ ગીત ગાયા અને ત્યારથી તેમની કારકિર્દી શરૂ થઈ. તેમણે ગુજરાતી ગીતો પણ ઘણા ગાયા છે, જેમાં લાખા ફુલાણીનું ખૂબ જ પ્રચલિત મણિયારો તે હળુ હળુ…, પાણી ગ્યાતા રે…જેવા સુમધુર ગીતોનો સમાવેશ થાય છે.
જોકે વાત આજે એક એવા ગીતની કરવી છે જે કોઈ ફિલ્મમાં ન હોવા છતાં દરેક ભારતીયના હૃદયમાં કોતરાઈ ચૂક્યું છે. શહિદોને શ્રદ્ધાંજલિ આપતું આ ગીત એય મેરે વતન કે લોગો… પંડિત જવાબહલાલ નહેરું હાજરીમાં લત્તા મંગેશકરે ગાયું હતું.
કલ્યાણપુરે તેમનાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ ગીત મારે ગાવાનું હતું અને મેં રિહર્સલ પણ કર્યું હતું. તે દિવસે જ્યારે આ ગીતનો વારો આવ્યો ત્યારે હું સ્ટેજ પર જાઉં તે પહેલા મને આ ગીત ન ગાવા અને બીજું ગીત ગાવાનું કહેવામાં આવ્યું. આમ કેમ થયું તે હું આજ સુધી જાણી શકી નથી, પરંતુ આ ગીત ત્યારે ન ગાઈ શક્યાનો વસવસો મને આજે પણ છે.
કલ્યાણપુર આજે 88 વર્ષના થયા છે. ગયા વર્ષે તેમને કેન્દ્ર સરકારે પદ્મ ભૂષણની નવાઝ્યા હતા. કલ્યાણપુરને તેમનાં જન્મદિવસે પ્રેમસુમન