સુધા ચંદ્રને વાયરલ વીડિયો પર તોડ્યું મૌન, કહ્યું 10 મિનિટમાં પી ગઈ ૪.૫ લિટર પાણી!

મુંબઈ: પોતાના દમદાર અભિનય અને નૃત્ય શૈલીથી ઘર-ઘરમાં જાણીતા બનેલા સુધા ચંદ્રનનો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેઓ કોઈ ‘માતાની ચોકી’ દરમિયાન આધ્યાત્મિક રીતે કોઈ દૈવી શક્તિના પ્રભાવ હેઠળ હોય તેવું જણાતું હતું. આ ઘટના બાદ ફેન્સ અને નેટીઝન્સમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા હતા. હવે એક પોડકાસ્ટ દરમિયાન સુધાએ આ સમગ્ર ઘટના પાછળનં પોતાનું સત્ય અને અનુભવ દુનિયા સામે રાખ્યા છે.
પારસ છાબડા સાથેના પોડકાસ્ટમાં સુધા ચંદ્રને જણાવ્યું કે, જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ પોતે પણ અચંબિત હતા. તેમણે કહ્યું, “ઘણા લોકો કહે છે કે માતાજી તમારી પાસે આવે છે. મને નથી ખબર કે આવું કેમ થાય છે, પણ હું એટલું કહી શકું કે મને દૈવી હાજરીનો અનુભવ થયો હતો.” તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ કોઈ શક્તિ હોવાનો દાવો નથી કરી રહ્યા, પરંતુ તે માત્ર એક દૈવી અનુભૂતિ હતી. પોતાની સફરને યાદ કરતા તેમણે ‘મયુરી’ ફિલ્મનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે તે તેમની પોતાની જિંદગીની પહેલી બાયોપિક હતી.
આ પણ વાંચો : કૂતરું કરડ્યાના 3 મહિના બાદ યુવકને હડકવા ઉપડ્યો, હિંસક બન્યાનો વીડિયો વાયરલ…
ટ્રોલ કરનારા લોકો પર વળતો પ્રહાર કરતા સુધાએ એક આશ્ચર્યજનક ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, તે ક્ષણે તેમના શરીરમાં કંઈક એવું હતું જે માનવીય રીતે અશક્ય છે. તેમણે પ્રશ્ન કર્યો કે, “કોઈ સામાન્ય માણસ 10 મિનિટમાં સાડા ચાર લિટર પાણી કેવી રીતે પી શકે? હું આખા દિવસમાં પણ આટલું પાણી પી શકતી નથી. રાત્રે મારાથી બે લિટરની બોટલ પણ પૂરી નથી થતી, તો તે સમયે શું થયું હતું તે મને પણ સમજાતું નથી.” આ ઘટનાએ તેમને પણ વિચારતા કરી દીધા છે.
સુધા ચંદ્રને ટ્રોલર્સને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું હતું કે તેઓ કોઈના વિશ્વાસ કે ધર્મ પર સવાલ ઉઠાવી રહ્યા નથી. તેમણે કહ્યું કે, “મેં ક્યારેય એવું નથી કહ્યું કે માતાજીની બધી શક્તિ મારામાં આવી ગઈ હતી. તે માત્ર એક નાનકડો અંશ કે દૈવી હાજરી હોઈ શકે છે. લોકો શું વિચારે છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી. હું કોઈની મંજૂરી મેળવવા માટે અહીં ઊભી નથી અને મારે કોઈને જવાબ આપવાની જરૂર પણ નથી.” તેમના આ નિવેદનથી તેમણે પોતાની શ્રદ્ધા અને વ્યક્તિગત અનુભવને મક્કમતાથી રજૂ કર્યો છે.



