મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

રોલ તો જોખીને જ સ્વીકારવાનો…

શ્રીદેવીની દીકરી જ્હાન્વી કપૂર મમ્મી જેટલી ટેલેન્ટેડ નથી, પણ એના પરફોર્મન્સ સંકેત જરૂર આપે છેકે એની આવતી કાલ જરૂર ઉજળી છે

કવર સ્ટોરી – હેમા શાસ્ત્રી
શ્રીદેવી – બોની કપૂરની દીકરી જ્હાન્વી કપૂર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છ વર્ષથી કામ કરી રહી છે, પણ એના નામ સાથે એક સુધ્ધાં હિટ ફિલ્મ નથી બોલતી. તેમ છતાં અત્યાર સુધીની દરેક ફિલ્મમાં મહત્ત્વધરાવતા રોલ માટે એની પસંદગી થતી રહી છે. જોકે, જ્હાન્વીને બિગ બેનરની ફિલ્મ હોય એટલે કોઈ પણ રોલ સ્વીકારી લેવો એવું ધોરણ નથી રાખ્યું. રોલની નોંધ લેવાશે એવું લાગે તો જ એ સ્વીકારવાનો એવા વલણને એ વફાદાર રહી છે. શો-કેસની ઢીંગલી બનવામાં એને કોઈ રસ નથી. દમદાર રોલ ન હોય તો એ ફિલ્મમાં કામ કરવાથી કરિયરને કોઈ લાભ થશે કે કેમ એ વાતને પણ મહત્ત્વ શ્રીદેવીની પુત્રી આપે છે.

જ્યારે પણ કોઈ ઓફર આવે ત્યારે હું જાતને પહેલો સવાલ એ કરું છું કે આ ફિલ્મ કરવાથી મને કંઈ શીખવા મળશે ખરું? રોલ સ્વીકારવાનું કે નકારવાનું મારું આ ધોરણ યોગ્ય છે કે એનાથી મને આર્થિક લાભ થાય કે નહીં એ હું નથી જાણતી, પણ હું નિર્ણય આ જ રીતે લઉં છું. ‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં મારો રોલ મોટો ન હોવા છતાં ડિરેક્ટર ઝોયા અખ્તર હતી એટલે હું કામ કરવા તૈયાર થઈ. ઝોયા સાથે કામ કરવાની તક કોણ ગુમાવે? એના સાનિધ્યમાં રહીને કશુંક શીખવા મળશે અને એક એક્ટ્રેસ તરીકે મારો વિકાસ થશે એ આશય સાથે કામ કરવા માટે તૈયાર થઈ હતી. અને મારી ધારણા સાચી ઠરી. અફલાતૂન અનુભવ રહ્યો ઝોયા અખ્તર સાથે કામ કરવાનો. અમને ઘણું શીખવા મળ્યું. એક્ટિંગ અને ફિલ્મો મને બેહદ પસંદ છે. દરેક ફિલ્મ સાથે મારું કામ બહેતર બને એ મારી પ્રાયોરિટી છે.

ટૂંકમાં રોલ જોખીને પછી જ સ્વીકારવાનો એવું જહાન્વી માને છે.ના પાડવાની હિંમત જ્હાન્વી કપૂરમાં છે. એસ. એસ. રાજામૌલી ‘આરઆરઆર’ માટે કાસ્ટિંગ કરી રહ્યા હતા ત્યારે જુનિયર એનટીઆર સામે જ્હાન્વીને રોલ ઓફર કરવામાં આવ્યો હતો. રાજામૌલીના બેનરની ફિલ્મની ઓફર લોભામણી તો હતી જ, પણ માત્ર મોટા બેનર સાથે જોડાવાનો મોહ અભિનેત્રીએ જતો કર્યો. એ માટે એનું કારણ સ્પષ્ટ હતું. ફિલ્મમાં આલિયા ભટ્ટના રોલને જેટલું પ્રાધાન્ય મળે છે એવું ફોકસ પોતાના રોલ માટે નથી એવું લાગતા જ્હાનવીએ પ્રેમથી ના પાડી દીધી હતી. મજેદાર વાત એ છે કે અગાઉ શ્રીદેવીએ પણ ‘બાહુબલી’માં દેવસેનાના રોલ માટે રાજામૌલીને ના પાડી હતી. અલબત્ત, એ વખતેકારણ મહેનતાણું – પૈસાનું હતું એમ કહેવાયુંહતું. જ્હાનવીએ ‘આરઆરઆર’ માટે ના પાડી શો-કેસની ઢીંગલી બનવામાં કોઈ રસ નથી એ ફરી એકવાર સાબિત કર્યું છે.

જોકે, આલિયા ભટ્ટને મળશે એવું માનવામાં આવતું હતું એ રોલ જ્યારે ઓફર થયો ત્યારે જ્હાનવીએ તરત હા પાડી દીધી. નિર્માતા કરણ જોહર અને દિગ્દર્શક શશાંક ખૈતાનજોડીની બે રોમેન્ટિક કોમેડી ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ અને ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ સિરીઝની ત્રીજી ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’માં વરુણ ધવન સાથે લીડ રોલ જ્હાન્વી કરી રહી છે. રોલ દમદાર હશે જ, કારણ કે આલિયા ભટ્ટ વિશે વિચાર થયો હતો અને આલિયા ઢીંગલીનો રોલ તો સ્વીકારે નહીં જ ને. આ સિવાય એક ફિલ્મમાં એને ડબલ રોલ ઓફર થયો હતો, જેમાં એક પાત્ર ગંભીર હતું જ્યારે બીજું રમતિયાળ પ્રકૃતિનું હતું. આ ફિલ્મ કરવાથી સિનેપ્રેમીઓ તરત પોતાની સરખામણી ’ચાલબાઝ’ની શ્રીદેવી સાથે કરશે એવું લાગતા જ્હાનવીએ ડબલ રોલ માટે ના પાડી દીધી હતી.

પંકજ પરાશર દિગ્દર્શિત ’ચાલબાઝ’ (૧૯૮૯)માં શ્રીદેવીનો ડબલ રોલ હતો. આ ઉપરાંત , શ્રીદેવીની બાયોપિકમાં કામ કરવાની પણ પુત્રીએ સાફ ના પાડી હતી. અલબત્ત, એ માટે કોઈ કારણ જણાવ્યું નહોતું. એમ તો ‘ધડક’ પહેલા એ. આર. મુરગદાસ (આમિર ખાનની ’ગજની’ના ડિરેક્ટર) મહેશ બાબુ સાથે એક તેલુગુ ફિલ્મમાં જ્હાન્વીને લેવા ઉત્સુક હતા, પણ ઉંમરમાં બહુ તફાવત (મહેશ બાબુ જ્હાન્વી કરતા ૨૪ વર્ષ મોટા છે) હોવાથી એક્ટ્રેસે ના પાડી દીધી હતી. દેવ આનંદ કરતાં અડધી ઉંમરની એક્ટ્રેસ દેવસા’બની હીરોઈન બનવા તૈયાર થઈ જતી એ યુગ હવે સમાપ્ત થઈ ગયો છે. આજની જનરેશનના મોટાભાગના કલાકાર ‘તોલ મોલ કે બોલ’ સિદ્ધાંતમાં માને છે.

જ્હાન્વી ‘દેવરા: પાર્ટ વન’ નામની તેલુગુ એક્શન ફિલ્મમાં પણ કામ કરી રહી છે. આ ફિલ્મ સાઉથની અન્ય ત્રણ ભાષા ઉપરાંત હિન્દીમાં પણ ડબ કરવામાં આવશે. ૩૦૦ કરોડના બજેટમાં તૈયાર થઈ રહેલી આ ફિલ્મ આવતા મહિને રિલીઝ થવાની છે અને એમાં જ્હાન્વી જુનિયર એનટીઆર સામે લીડ રોલ કરી રહી છે. આ ફિલ્મમાં એનો રોલ બહુ પ્રભાવશાળી નથી, પણ સાઉથની ફિલ્મોમાં કામ કરવાથી ઘણું શીખવા મળતું હોવાથી આ ફિલ્મ તેણે સ્વીકારી છે.

જ્હાન્વીની પહેલી ફિલ્મ ‘ધડક’ ૨૦૧૮માં રિલીઝ થઈ હતી. મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની આ રી-મેકને ભવ્ય સફળતા નહોતી મળી, પણ સારો વકરો કર્યો હતો. ફિલ્મમાં જ્હાનવીના પર્ફોર્મન્સે આશા જરૂર જગાવી હતી. ’રુહી’, ‘ગુંજન સક્સેના’, ‘બવાલ’, ‘મિલી’ તેમ જ આ વર્ષે રિલીઝ થયેલી ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ અને ‘ઉલઝ’માં જ્હાનવીની એક્ટિંગ ઉત્તરોત્તર બહેતર થતી નજરે પડી છે. મમ્મી શ્રીદેવી જેવું અભિનય કૌશલ જ્હાન્વી પાસે નથી, પણ દરેક ફિલ્મ પછી આવતી કાલ વધુ ઉજળી હોવાનો સંકેત એ જરૂર આપે છે.

Show More

Related Articles

Back to top button
22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે…