સુપરસ્ટાર મોહનલાલના માતા શાંતકુમારીનું 90 વર્ષની વયે નિધન, કોચીમાં લીધા અંતિમ શ્વાસ

દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર મોહનલાલ પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. મોહનલાલના માતા શાંતકુમારીનું આજે 90 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે કોચીના એલમક્કારા ખાતે આવેલા તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લાં કેટલાક સમયથી તેઓ પેરાલિસીસની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. આ દુઃખદ સમાચારથી મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને મોહનલાલના ચાહકોમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.
મલયાલમ સિનેમાના દિગ્ગજ અભિનેતા મોહનલાલના માતા શાંતકુમારીનું મંગળવારે બપોરે કોચી સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું છે અને તેઓ છેલ્લા કેટલાક સમયથી લકવા (પેરાલિસિસ) અને વધતી જતી ઉંમરને કારણે બીમાર હતા. 90 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હોવાની માહિતી પરિવાર દ્વારા આપવામાં આવી છે.
શાંતકુમારીજી દિવંગત વિશ્વનાથન નાયરના પત્ની હતા. વિશ્વનાથન નાયર નિવૃત્ત સરકારી કર્મચારી હતા. તેમના મોટા પુત્ર પ્યારેલાલનું વર્ષ 2000માં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું, જ્યારે તેમના નાના પુત્ર મોહનલાલ આજે ભારતીય સિનેમાના સૌથી મોટા સ્ટાર્સમાંના એક છે. પુત્રની ભવ્ય સફળતા હોવા છતાં, શાંતકુમારીજી હંમેશા લાઈમલાઈટથી દૂર રહીને સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરતા હતા.
મોહનલાલે પણ પોતાના માતા વિશે વાત અનેક વખત જાહેરમાં કહી ચૂક્યા છે કે, મારી સફળતાની કરોડરજ્જુ મારી માતા છે. તેમના જીવનના દરેક વળાંક પર માતાના આશીર્વાદ તેમના માટે સૌથી વધુ મહત્વના રહ્યા છે. વર્ષ 2021માં જ્યારે મોહનલાલ દાદાસાહેબ ફાળકે એવોર્ડ સ્વીકારવા ગયા હતા, ત્યારે પણ તેમણે માતાના આશીર્વાદ લેતી તસવીર શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ હતી.
મોહનલાલ તેમના માતા-પિતા પ્રત્યે કેટલો આદર કરે છે અને તેનું ઉત્તમ ઉદાહરણ તેમની સંસ્થા છે. તેમણે શરૂ કરેલી ચેરિટેબલ સંસ્થા ‘વિશ્વશાંતિ ફાઉન્ડેશન’ નું નામ તેમના પિતા (વિશ્વનાથન) અને માતા (શાંતકુમારી)ના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ ફાઉન્ડેશનના માધ્યમથી તેઓ અનેક સામાજિક કાર્યો કરે છે.
પરિવાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર શાંતકુમારીજીના અંતિમ સંસ્કાર આવતીકાલે વિધિવત રીતે કરવામાં આવશે. મલયાલમ ફિલ્મ જગતના અનેક કલાકારો અને રાજકીય હસ્તીઓએ સોશિયલ મીડિયા દ્વારા મોહનલાલ અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.



