‘હીરામંડી’ ફિલ્મમાં નેગેટિવ ભૂમિકા ભજવનારી સોનાક્ષીએ પોતાના પિતા શત્રુઘ્ન સિંહા વિશે કહી આ વાત…

મુંબઈ: સંજય લીલા ભણસાળીની ફિલ્મો લાર્જર ધેન લાઇફ હોય છે તેમાં કોઇ બેમત નથી અને આવી જ એક વધુ ફિલ્મ સંજય લીલા ભણસાલી લઇને આવ્યા છે જેનું નામ છે ‘હીરામંડી-ધ ડાયમંડ બાઝાર’. આ ફિલ્મ તવાયફોના સમુદાય દ્વારા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં લેવામાં આવેલા ભાગ વિશે છે અને તેનું ટ્રેલર જોતા જ આ ફિલ્મ મહિલા કેન્દ્રિત હશે તે સ્પષ્ટ છે.
આ ફિલ્મમાં અન્ય અભિનેત્રીઓની સાથે સાથે સોનાક્ષી સિંહા પણ ભૂમિકા ભજવી રહી છે. જોકે, આ ફિલ્મમાં સોનાક્ષીની ભૂમિકા હટકે હશે અને તે નેગેટિવ પાત્રમાં જોવા મળશે. સોનાક્ષીનું કહેવું છે કે તે ઘણા સમયથી આવું પાત્ર ભજવવા મળે તેની રાહ જોઇ રહી હતી. આ ભૂમિકા ભજવીને પોતે ખૂબ ખુશ હોવાનું કહેતા સોનાક્ષીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હું ઘણા સમયથી મારા પિતા(શત્રુઘ્ન સિંહા)ની જેમ નેગેટિવ રોલ કરવા માટે ઇચ્છુક હતી. મને જે ભૂમિકા ભજવવા માટે આપી છે તેનાથી હું ખૂબ આનંદિત છું. સોનાક્ષીએ સંજય લીલા ભણસાળીનો પણ આ રોલ તેને આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.”
આ પણ વાંચો: રશ્મિકા મંદાનાના ‘કુબેર’ના લૂકે ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, જુઓ ગ્લેમરસ અંદાજ…
સલમાન ખાન સાથે દબંગ ફિલ્મમાં જોવા મળેલી સોનાક્ષીએ અત્યાર સુધી વિવિધ ભૂમિકાઓ ભજવી છે અને રોમાન્સ, કોમેડી તેમ જ એક્શન કરવા મળે તેવા બધા જ રોલ તેને મળ્યા છે. જોકે, આ પહેલી જ વખત સોનાક્ષીને નેગેટિવ એટલે કે વેમ્પની ભૂમિકા ભજવવા મળી છે. હવે આ નેગેટિવ રોલ ભજવવાની કસોટીમાં સોનાક્ષી કેટલી ખરી ઉતરે છે તે તો દર્શકો આ ફિલ્મ જોયા પછી જ નક્કી કરશે.