સોનાક્ષી સિન્હા લગ્ન બાદ આ હોરર-કોમેડી ફિલ્મમાં લોકોને ડરાવશે…

મુંબઈઃ વિવાદો વચ્ચે 23 જૂનના રોજ પોતાના મુસ્લિમ બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે સિવિલ મેરેજ કર્યા તેના પહેલાથી સોનાક્ષી સિન્હા સમાચારોમાં છવાયેલી રહી હતી. ક્યારેક સોનાક્ષીનું કુટુંબ આ સંબંધથી નાખુશ છે તેવા અહેવાલો વહેતા થયા તો અમુક વખતે સોનાક્ષી સિન્હા લગ્ન માટે ધર્મ પરિવર્તન કરશે તેવા અહેવાલો વહેતા થયા જેને પછીથી સત્તાવાર રીતે બંનેના કુટુંબીજનોએ રદીયો આપ્યો હતો. જોકે હવે સોનાક્ષી સિન્હા પોતાની આગામી ફિલ્મ માટે ચર્ચામાં છે. લગ્ન બાદ સોનાક્ષી સિન્હા કઇ ફિલ્મમાં જોવા મળશે તેની તાલાવેલી તેના ચાહકોને છે.
પોતાની આગામી ફિલ્મ વિશે પોતે સોનાક્ષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માહિતી આપી હતી. સોનાક્ષી હવે કાકુડા નામની ફિલ્મમાં અભિનય કરતી જોવા મળશે. જોકે, સોનાક્ષીને મોટા પડદે જોવા માગતા તેના ચાહકો માટે માઠા સમાચાર એ છે કે આ ફિલ્મ થિયેટર્સમાં નહીં, પરંતુ ફક્ત ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની હોઇ સોનાક્ષીના ચાહકોએ મોબાઇલ અથવા ટી.વી કે લેપટોપ-કોમ્પ્યુટર પર પોતાની મનગમતી અભિનેત્રીની ફિલ્મ જોવી પડશે.
ફિલ્મ કાકુડાની વાત કરીએ તો આ એક હોરર-કોમેડી ફિલ્મ હશે અને સોનાક્ષી સાથે તેમાં રિતેશ દેશમુખ જોડી જમાવતો જોવા મળશે. સોનાક્ષીએ આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની માહિતી પણ પોતાની પોસ્ટમાં આપી હતી. તેણે આ ફિલ્મનું પોસ્ટર પોસ્ટ કર્યું હતું જેમાં તે હાથમાં મશાલ લઇને ઊભી જોઇ શકાય છે. પોસ્ટરમાં તેના મોં પર ડરના હાવભાવ પણ સ્પષ્ટ જોઇ શકાય છે. આ ફિલ્મ 12 જુલાઇથી ઝી-5 પર સ્ટ્રીમ થશે. સોનાક્ષીએ પોસ્ટમાં કેપ્શનમાં લખ્યું હતું કે ઇંદિરા ભૂતોથી નથી ડરતી, પરંતુ કાકુડાનો ગુસ્સો પર્સનલ થવાનો છે. શું તે આ તબાહી સહન કરી શકશે. મર્દ ખતરામાં છે. આદિત્ય સરપોતદરના નિર્દેશનમાં બનનારી આ ફિલ્મમાં સોનાક્ષી મુખ્ય ભૂમિકામાં હશે જ્યારે રિતેશ દેશમુખ, સાકિબ સલીમ, ગરવીલ મોહન જેવા કલાકારો પણ મહત્ત્વની ભૂમિકા ભજવતા દેખાશે. આદિત્યએ હાલમાં જ રિલીઝ થયેલી અને બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહેલા મુંજ્યા ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે. મુંજ્યા ફિલ્મની કથા પણ લોકોને પસંદ આવી રહી છે અને લોકો તેના ગીતોને પણ ખૂબ વખાણી રહ્યા છે.