Son Of Sardaar 2 Film Review: સ્ક્રિપ્ટ વિના શું કામ બધા સિક્વલ ફિલ્મો બનાવવા નીકળી પડયા છે?

ઘરમાં ખાંડ કે ગોળ હોય જ નહીં તો શિરો બનાવવાનો વિચાર કરાય. પહેલા ખાંડ કે ગોળ લાવવા પડે, ઘી, લોટ, ડ્રાય ફ્રૂટ બધુ ચેક કરવું પડે પછી શિરો બને ને? પણ બોલીવૂડવાળાને હમાણ શું સૂઝ્યું છે કે માત્ર ડ્રાયફ્રૂટ્સ લઈને બેસી જાય છે અને જાહેરાતો કરે છે મસ્ત ઘીથી લબલબતો શિરો બનાવ્યાની. આથી દર્શક બિચારો ભૂખો જ રહી જાય છે. આવી ફરી ખાંડ-ગોળ વિનાના શિરા જેવી ફિલ્મ સન ઓફ સરદાર-2 રિલિઝ થઈ છે. શરૂઆતમાં ડ્રાયફ્રુટનો ઉલ્લેખ એટલા માટે કર્યો કે ફિલ્મમાં અજય દેવગન, મૃણાલ ઠાકુર, રવિકિશન, સંજય મિશ્રા, દીપક ડોબરિયાલ જેવા સ્ટાર છે, નેશનલ એવોર્ડ વિજેતા ડિરેક્ટર વિજયકુમાર અરોડા છે, પરંતુ સ્ક્રિપ્ટ નથી એટલે બધુ જ ફીક્કા શિરા જેવું છે. એકાદ ફિલ્મ હીટ થઈ હોય એટલે તેની સિક્વલ બનાવવાની હોડ લાગી છે, પણ ફિલ્મ માટે જોઈતી સ્ક્રિપ્ટ વિના આખું બોલીવૂડ સિક્વલ બનાવવા કેમ નીકળી પડ્યું છે તે સમજાતું નથી.
ફિલ્મની સ્ટોરી, એક્ટિંગ અને ડિરેક્શન
ફિલ્મની સ્ટોરીમાં જસ્સી (અજય દેવગન) આસપાસ શરૂઆતમાં ફરે છે. અહીં ઉલ્ટું છે. જસ્સી પંજાબમાં રહે છે અને જેની પત્ની ડિમ્પલ (નીરુ બાજવા) લગ્ન પછી લંડન જાય છે અને કામ કરવાનું શરૂ કરે છે. જસ્સી અહીં તેની માતા સાથે રહે છે અને તેના વિઝાની રાહ જૂએ છે. વિઝા મળે છે અને તે લંડન પહોંચે છે, પણ જેમ ઘણી પત્નીઓ સાથે થાય છે, તેમ જસ્સીની પત્નીનું બીજા સાથે અફેર છે અને તે છૂટાછેડા અને પ્રોપર્ટીમાં હિસ્સો માગે છે. બીજી તરફ, પાકિસ્તાની રાબિયા (મૃણાલ ઠાકુર) અને તેના મિત્રો દાનિશ (ચંકી પાંડે), ગુલ (દીપક ડોબરિયાલ), મહવશ (કુબ્રા સૈત) અને સબા (રોશની વાલિયા) પણ લંડનમાં રહે છે અને કાર્યક્રમોમાં નાચવા જવાનું કામ કરે છે. હવે જસ્સી તે બધાને કેવી રીતે મળે છે અને તે બધા રાજા (રવિ કિશન) ના પરિવાર સાથે કેવી રીતે જોડાયેલા છે? તે જોવા માટે ફિલ્મ જોવી પડશે.
ફિલ્મના ફર્સ્ટ કે સેકન્ડ હાફમાં કોઈ મેળ બેસતો નથી. કૉમેડી પણ ઓછી છે અને અમુક તો ચીલાચલુ ડાયલોગ્સ છે. મ્યુઝિક પણ સ્ટોરી કે સિચ્યુએશનને સાથ નથી આપતું. ઘણાના એકસ્ટ્રા મેરિટલ અફેર બતાવ્યા છે, પણ ડિરેક્ટર કોઈ સંદેશ આપવા માગે છે કે શું તે સમજાતું જ નથી. સૉંગ્સની કોરિયોગ્રાફી પણ અકળાવે તેવી છે.
સ્ટોરીલાઈન વિક હોવાથી એક્ટિંગમાં પણ દમ નથી દેખાતો. અજય દેવગન વર્ષોથી જોયો હોય તેવો જ છે, કોઈ તાજગી નથી. મૃણાલ શરૂઆતમાં બહુ લાઉડ લાગે છે અને પછી થોડી સેટલ થાય છે. સંજય મિશ્રા અને દીપક ડોબરિયાલને તો અહીં અકળામણ જ થઈ હશે. ચંકી પાડે સહન થાય તેમ નથી. પણ આ બધા પર ભારી પડે છે બિહારી બાબુ રવિ કિશન. રવિ કિશને અજય દેવગનને પણ ફિક્કો પાડી દીધો છે.
એકંદરે ફિલ્મ જો માત્ર થિયેટરમા મિત્રો સાથે મજા કરવા કે ટાઈમપાસ કરવા જોવી હોય તો જઈ શકો છો, બાકી ઓટીટી પર ઘણા ઑપ્શન છે.
આપણ વાંચો: Dhadak 2 review: ઈન્ટરકાસ્ટ લવસ્ટોરીમાં નબળી સ્ક્રિપ્ટ અને ટ્રિટમેન્ટ વિલન