સૈયારા નહીં પોતાને વાંકે બોક્સ ઓફિસ પર ફસડાઈ પડી સન ઓફ સરદાર-2 અને ધડક-2

અજય દેવગન સહિતના સ્ટારકાસ્ટ સાથેની ફિલ્મ સન ઓફ સરદાર-2 અને ધડક-2 એક જ અઠવાડિયામાં બોક્સ ઓફિસ પર ફસડાઈ પડી છે. તેની સામે 21 દિવસ બાદ પણ સૈયારા સારો બિઝનેસ કરી રહી છે. જોકે આ ફિલ્મો સૈયારાની રિલિઝના બે અઠવાડિયા બાદ થિયેટરોમાં આવી હતી, પરંતુ બન્ને ફિલ્મો નબળી હોવાથી ખાસ કંઈ ઉકાળી શકી નથી.
સન ઑફ સરદાર-2 રૂ. 100 કરોડના બજેટ સાથે બની છે પણ બોક્સ ઓફિસ પર આ ફિલ્મની સ્થિતિ પણ બહુ સારી દેખાતી નથી. સન ઓફ સરદાર 2 એ રિલિઝના 7મા દિવસે બોક્સ ઓફિસ પર રૂ. 1.40 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મે 7 દિવસમાં કુલ 32.89 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
તો તમિળ ફિલ્મની રિમેક એવી રૂ. 50 કરોડમાં બનેલી ધડક-2 એ રિલિઝના સાતમા દિવસે માત્ર 1 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. એક અઠવાડિયામાં આ ફિલ્મની કમાણી ફક્ત 16.44 કરોડ રૂપિયા સુધી પહોંચી શકી છે.
ત્યારે અહાન પાંડે અને અનિત પડ્ડાની સૈયારાનો ચાર્મ હજુ પણ અકબંધ છે. બોક્સ ઓફિસ પર 21 દિવસ વીતી ગયા પછી પણ સૈયારા સતત કમાણી કરતી જોવા મળી રહી છે. આ ફિલ્મે રિલીઝના 21મા દિવસે સન ઓફ સરદાર 2 અને ધડક 2 કરતા વધુ કમાણી કરી છે. સૈયારાએ ગુરુવારે ૧.૮૫ કરોડનો બિઝનેસ કર્યો છે. ભારતમાં આ ફિલ્મનો કુલ બિઝનેસ હવે ૩૦૮.૪૫ કરોડ થઈ ગયો છે. જ્યારે વિશ્વભરમાં આ ફિલ્મ ૫૦૦ કરોડનો આંકડો પાર કરી ચૂકી છે.
આજે થિયેટરોમાં ખાસ કોઈ નવી ફિલ્મ રિલિઝ થઈ નથી. આથી હજુ એક અઠવાડિયું સૈયારા રાજ કરશે. ત્યારબાદ યશરાજ બેનરની જ ફિલ્મ વૉર-2 14મી ઑગસ્ટે રિલિઝ થવાની છે, આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે તેમ માનવામાં આવે છે.
આ પણ વાંચો…સન ઓફ સરદાર અને ધડકની સિકવલ્સ સૈયારા સામે ધરાશાયીઃ જાણો બોક્સ ઓફિસ કલેક્શન