ક્યારેક ‘ડ્રીમ ગર્લ’, ક્યારેક ‘સુજાતા’ તો ક્યારેક ‘આયેશા’
આટલા બધા નામો ધરાવે છે આપણી આજની બર્થ-ડે અભિનેત્રી
પીઢ બોલિવૂડ અભિનેત્રી હેમા માલિનીને કોઈ ઓળખની જરૂર નથી. તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. આ સાથે તેમણે રાજકારણમાં પણ સારું યોગદાન આપ્યું છે. આજે હેમા માલિની પોતાનો 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેત્રીનો જન્મ 16 ઓક્ટોબર 1948ના રોજ તમિલનાડુના અમ્માનકુંડીમાં થયો હતો. હેમા માલિનીનો જન્મ તમિલ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આજે અભિનેત્રીનો જન્મદિવસ હોવાથી ચાલો જાણીએ હેમાજી વિશે કેટલીક રસપ્રદ વાતો.
હેમાના પિતા વીએસ આર ચક્રવર્તી તમિલ ફિલ્મોના નિર્માતા હતા. તેમનું સાચુ નામ હેમા માલિની ચક્રવર્તી છે. હેમા માલિનીએ માત્ર 14 વર્ષની ઉંમરે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે સૌથી પહેલા તમિલ ફિલ્મ ‘ઇધુ સાથિયમ’ કરી હતી. તે પછી, તેમણે ‘સપનો કે સૌદાગર’ સાથે મુખ્ય અભિનેત્રી તરીકે હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તેમની સાથે રાજ કપૂરે કામ કર્યું હતું. ફિલ્મ ડ્રીમ ગર્લમાં અભિનેત્રી વિશે એક ગીત હતું, જેના પછી હેમા માલિની આજ સુધી આ નામથી ઓળખાય છે. તેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે અને ઘણી હિટ ફિલ્મો આપી છે. જેમાં ‘લાલ પથ્થર’, ‘અંદાજ’, ‘સીતા ઔર ગીતા’, ‘સન્યાસી’, ‘ધર્માત્મા’, ‘શોલે’, ‘ત્રિશુલ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમણે સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે તેમની કારકિર્દીમાં સૌથી વધુ બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તેમણે તેની સાથે કુલ દસ હિટ ફિલ્મો આપી છે.
એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રીએ સ્પષ્ટતા કરી હતી કે તેમને પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સામનો કરવો પડ્યો હતો. કરિઅરના આરંભમાં ‘તમિલ ડિરેક્ટર સીવી શ્રીધરે હેમાને એક ફિલ્મ માટે સાઈન કરી હતી, આ દરમિયાન તેણે હેમાનું ફિલ્મી નામ બદલીને સુજાતા રાખ્યું હતું અને બાદમાં તેને બહુ પાતળી હોવાનું જણાવી રિજેક્ટ કરી દીધી હતી.
સંજીવ કુમાર અને જીતેન્દ્ર તરફથી લગ્નની દરખાસ્તો નકારી કાઢ્યા પછી તેઓ હોટ સાથી અભિનેતા, ધર્મેન્દ્ર પ્રત્યે આકર્ષાયા અને તેમની સાથે લગ્ન કરવા માગતા હતા, પણ ધર્મેન્દ્ર પહેલેથી જ પરણેલા હતા. તેમની પત્ની પ્રકાશે તેમને છૂટાછેડા આપવાનો ઇનકાર કર્યો. 21 ઓગસ્ટ, 1979 ના રોજ, હેમા અને ધર્મેન્દ્ર બંનેએ ઇસ્લામ સ્વીકાર્યો. તેમના નામ બદલીને અનુક્રમે આયેશા બી આર ચક્રવર્તી અને દિલાવર ખાન કેવલ ક્રિષ્ન રાખ્યા અને ઇસ્લામિક વિધિઓ અનુસાર લગ્ન કર્યા હતા.
હેમા માલિની હિન્દી ફિલ્મોમાં બેલ-બોટમ અને શર્ટ પહેરનારી પ્રથમ અભિનેત્રીઓમાંની એક હતી. હેમા માલિની એવી કેટલીક જૂજ અભિનેત્રીઓમાં સામેલ છે, જેમણે જાહેરમાં ક્યારેય રિવીલીંગ કે કામુક વસ્ત્રો પરિધાન કર્યા નથી. તેઓ હંમેશા એક આદર્શ સન્નારી તરીકે જ જોવા મળ્યા છે.
હેમાજી ભાજપની મથુરાની લોકસભાની બેઠક પરથી સાંસદ છે. તેમણે બ્રજમાં સાધુ સંતોના સાનિંધ્યમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. આપણે આ ડ્રીમ ગર્લ અભિનેત્રીને જન્મ દિવસની શુભેચ્છા આપીએ.