Sholay@50: પહેલા અઠવાડિયે ફ્લોપ અને પછી અજર અમર બની ગયેલી ફિલ્મ વિશે આ જાણો છો?

આજે કોઈપણ ફિલ્મ થિયેટરમાં રિલિઝ થાય ત્યારે તેના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા પણ મળતા જાય છે. આજે પણ પહેલા વિક એન્ડ બાદ ફિલ્મ પર ફલોપ કે હીટનો સિક્કો લાગી જાય છે, તેવી જ સ્થિતિ વર્ષો પહેલા પણ હતી. ફિલ્મ લિમિટેડ શૉમાં જ ચાલતી. માર્કેટિંગ જેવું કંઈ ખાસ ન હતું. ફિલ્મ રિલિઝ થવાની હોય ત્યારે થોડા દિવસ પહેલા થિયેટરો બહાર અને દિવાલો પણ પોસ્ટર લાગી જતા. ઘણીવાર થિયેટરમાલિકો ગામમાં રિક્ષા ફેરવી પોસ્ટર સાથે ફિલ્મનું અનાઉન્સમેન્ટ કરતા. એક મોટો વર્ગ અને ખાસ કરીને મહિલાઓ ફિલ્મો તો જવલ્લે જોવા જતી. આવા સમયે આજથી 50 વર્ષ પહેલા સ્વતંત્રતા દિવસના રોજ એક શોલે નામની એક ફિલ્મ થિયેટરોમાં આવી. કટોકટીનો આ કાળ હતો. પહેલા અઠવાડિયે ખાસ કોઈ આવ્યું નહીં અને ફિલ્મ લગભગ ફ્લોપ છે, તેવું નિર્માતાઓએ માની લીધું, પણ પછી શું જાદુ થયો, જેમણે જોઈ તેમણે એવી તો માઉથ પબ્લિસિટી કરી કે ફિલ્મ સુપરહીટ થઈ. આ ફિલ્મના 50 વર્ષ પૂરા થયા.
આ ફિલ્મ વિશે આમ તો ઘણું લખાયું-કહેવાયું છે, તેમ છતાં અમુક નવી ઈન્ટરેસ્ટિંગ વાતો અમે પણ તમારી માટે લાવ્યા છીએ, વાંચશો તો મજા પડશે.

ગબ્બર સિંહ અને જયા ભાદુડીનો શું સંબંધ
ફિલ્મમાં જયા ભાદુડીએ એક વિધવાનો રોલ કર્યો છે. ગબ્બર સિંહ તરીકે અજમદ ખાને ધાક જમાવી છે. પણ ગબ્બર સિંહના પાત્રનો જન્મ જયાના પિતાને લીધે થયો છે. બન્યુ એમ કે જયાના પિતાએ એક પુસ્તક લખ્યું હતું. અભિશપ્ત ચંબલ નામના આ પુસ્તકમાં એક એવા ડાકૂની વાત કરી હતી જે પોલીસના નાક કાપી જતો. આવું હકીકતમાં બનતું હતું, તેના પરથી ગબ્બર સિંહનું પાત્ર ઊભું કરવામાં આવ્યું છે. અમજદ ખાને આ પાત્રમાં જીવ રેડી દીધો હતો. અમજદ ખાનને એક ગંદો ડાકૂ બતાવવા માટે મુંબઈની ચોર બજારમાંથી ખરીદેલી વરદીને આખા શૂટિંગ દરમિયાન ધોવામાં આવી ન હતી.

અરે ઓ સાંભાના સાંભાએ 27 પ્રવાસ કર્યા
બીજી એક રસપ્રદ વાત એવી છે કે ફિલ્મમાં અહેમદનું પાત્ર ભજવનાર સચિનને રોલ માટે પૈસા ન હતા મળ્યા, નિર્માતાએ તેને મહેનતાણા તરીકે ફ્રીજ આપ્યું હતું. તો સાંભાનું પાત્ર ભજનવાર મેક મોહનના ભાગે એક જ ડાયલોગ આવ્યો હતો, પરંતુ શૂટિંગ માટે તેણે 27 વખત મુંબઈથી બેંગલોરના ધક્કા ખાવા પડ્યા હતા.
આ ગામને હવે રામગઢ તરીકે જ ઓળખાય છે
શોલે ફિલ્મની શૂટિંગ બેંગલોરની બાજુમાં રામનગર નામના ગામમાં થયું છે. આ ગામને હવે બધા રામગઢ કહે છે અને પર્યટન માટે લોકો આવે પણ છે. શોલેને લીધે આ ગામ ફેમસ થઈ ગયુ છે.

આ બે મિનિટના સિન માટે 20 દિવસ લાગ્યા
સાવ નાની ઉંમરે વિધવા થઈ બેરંગ જીવન જીવતી જયા અને અમિતાભ વચ્ચે એક નિશબ્દ એવો સંબંધ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો છે. એક સિનમાં જયા ફાનસ લગાવી રહી છે અને સામે અમિતાભ માઉથ ઑર્ગન વગાડી રહ્યો છે. આ સિન લગભગ બે મિનિટનો પણ નહીં હોય, પરંતુ રમેશ સિપ્પીને જો જોઈતું હતું તે મળતું ન હતું તેથી 20 દિવસ લાગી ગયા. તો આવી જ રીતે શરૂઆતમાં જે ટ્રેનફાઈટ બતાવી છે તે શૂટ કરવામાં 7 દિવસ લાગ્યા હતા.
એક ફિલ્મ બનાવવા ખૂબ જ મહેનત લાગે છે, પણ જ્યારે તમારા એક ક્રિએશનને 50 વર્ષ પછી પણ યાદ કરવામાં આવે ત્યારે આ મહેનત અને સંઘર્ષ સોનરી લાગવા માંડે છે.
આપણ વાંચો: બિગ બોસ-18 ફેમ આ એક્ટ્રેસને થયો અકસ્માત, પોસ્ટ કરીને ફેન્સ સાથે શેર કરી માહિતી…