
મુંબઈઃ બોલીવૂડ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર એપ્રિલ મહિનામાં થયેલા ગોળીબાર પ્રકરણે રોજ નવા નવા ખુલાસા થતાં રહે છે. પોલીસ પણ આ મામલે તપાસને આગળ ધપાવી રહી છે, ધરપકડ પણ થઈ રહી છે.આ ઘટનાની તપાસ કરી રહેલી નવી મુંબઈ પોલીસે ધરપકડ કરાયેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગના પાંચ આરોપીઓ સામે ચાર્જશિટ પણ દાખલ કરી છે. સિદ્ધુ મૂસેવાલાની જેમ જ આ હત્યાકાંડને પણ અંજામ આપવાનો પ્લાન હતો, એવો ખુલાસો થયો છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ચાર્જશીટ અનુસાર બિશ્નોઈ ગેંગે સલમાન ખાનને મારવા માટે 25 લાખ રૂપિયાની સોપારી આપી હતી. આરોપીએ પાકિસ્તાનના અત્યાધુનિક હથિયાર એકે 47, એકે92 અને એમ 16ની સાથે સાથે તુર્કી બનાવટવાળી જિગાના પિસ્ટોલ પણ ખરીદી હતી. પોલીસે ચાર્જશીટમાં એવું પણ જણાવ્યું હતું કે જિગાના એ જ વેપન છે કે જે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા માટે ઉપયોગમાં લેવામાં આવ્યું. આ જ હથિયારની મદદથી આરોપીઓએ સલમાન ખાનની હત્યા કરવાનું પ્લાનિંગ કર્યું હતું.
આ પન વાચો : ફાર્મહાઉસની બહાર નીકળતા જ સલમાન ખાનને મારવાનો પ્લાન હતો! ચાર્જશીટમાં મોટા ખુલાસા
મળી રહેલી માહિતી પ્રમાણે ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે સલમાન ખાન (Salman Khan)ને મારવાનું પ્લાનિંગ ઓગસ્ટ, 2023 અને એપ્રિલ, 2024 વચ્ચે કરવામાં આવ્યું હતું. પોલીસે એવું પણ જણાવ્યું હતું આશરે 60થી 70 લોકો સલમાન ખાનની દરેક મૂવમેન્ટની દેખરેખ રાખી રહ્યા હતા. તપાસમાં એવી માહિતી પણ સામે આવી છે કે આ બધા લોકો સલમાન ખાનના ઘર, પનેવલના ફાર્મ હાઉસ અને ગોરેગાંવ ફિલ્મ સિટીમાં સલમાન ખાનની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યા હતા.
આ બાબતે પોલીસ દ્વારા ચોથી જૂનના સલમાન ખાનનું એક નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. આ સાથે સાથે ચાર પાનાનું સ્ટેટમેન્ટ પણ નોંધ્યું હતું, જ્યારે સલમાન ખાનનું નવ પાનાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. મળી રહેલી માહિતી અનુસાર સલમાને પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે જે દિવસે આ ફાયરિંગ થઈ એ દિવસે તેના ઘરે પાર્ટી હતી અને એ દિવસે તે મોડેથી ઊંઘ્યો હતો અને સવારે ગોળીબારના અવાજથી તેની આંખ ખુલી હતી.