
મુંબઇ : અભિનેતા શ્રેયસ તલપડેને(Shreyas Talpade)લઈને ગત સોમવારે સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાઈ હતી કે અભિનેતાનું નિધન થઈ ગયું છે. આ અફવાઓએ બધાને ચોંકાવી દીધા. અભિનેતાના કેટલાક ચાહકોએ આ અફવાઓને સાચી માની અને એકદમ ભાવુક થઈ ગયા. આ અફવાઓ જોઈને શ્રેયસ પોતે પણ ચોંકી ગયો અને પરેશાન થઈ ગયો. ગત સોમવારે બપોરે એવી અફવા ફેલાઈ હતી કે શ્રેયસ તલપડે હવે આ દુનિયામાં નથી જેના પર અભિનેતાએ પોતે પ્રતિક્રિયા આપી છે અને લોકોને આવી દુઃખદાયક અફવાઓ ન ફેલાવવા અપીલ કરી છે.
શ્રેયસ તલપડેની નેટીઝન્સને અપીલ
શ્રેયસ તલપડેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે કહ્યું કે હું સ્વસ્થ છું, ખુશ છું અને સારો છું. તેમણે તેમના મૃત્યુની અફવાઓ પર પોતાનો ગુસ્સો અને ઉદાસી પણ વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું કે કેવી રીતે આ અફવાઓ ક્યારેક ખૂબ જ પરેશાન કરે છે અને વાસ્તવિક નુકસાન પહોંચાડી શકે છે. તેમણે કહ્યું કે કેટલીકવાર તે મજાક તરીકે શરૂ થાય છે. પરંતુ જે વ્યક્તિ વિશે અફવા ફેલાવવામાં આવે છે તે વ્યક્તિના પરિવાર માટે તે ચિંતા અને તણાવનું કારણ બની જાય છે.
શ્રેયસ તલપડે મૃત્યુની અફવાથી ગુસ્સે
શ્રેયસ તલપડેએ પોતાની પોસ્ટમાં લખ્યું – ” પ્રિય સૌ, હું તમને બધાને કહેવા માંગુ છું કે હું જીવિત, ખુશ અને સ્વસ્થ છું. મારા નિધનનો દાવો કરતી એક વાયરલ પોસ્ટ મને મળી છે. જ્યારે મને લાગે છે કે મજાકનું એક અલગ સ્થાન હોય છે. જ્યારે તેનો દુરુપયોગ થાય છે ત્યારે તે વાસ્તવિક નુકસાન પહોંચાડી શકે છે. તેની શરૂઆત મજાક તરીકે થઈ હતી જે હવે બિનજરૂરી ચિંતા પેદા કરી રહી છે. તેમજ જે લોકો મારી ચિંતા કરે છે તેમની ભાવના સાથે પણ યોગ્ય નથી. “
મૃત્યુની અફવાથી દીકરી પરેશાન થઈ : શ્રેયસ
આ પછી શ્રેયસ તલપડેએ પણ પોતાની પુત્રી પર આ અફવાઓની અસર વિશે જણાવ્યું. પોતાની પોસ્ટમાં તેમણે આગળ લખ્યું- ‘મારી નાની દીકરી, જે દરરોજ સ્કૂલે જાય છે, તે પહેલાથી જ મારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે અને સતત પ્રશ્નો પૂછે છે અને હું સારો છું તેવું આશ્વાસન ઈચ્છે છે. આ અફવા તેના ડરને વધારે છે. તેને તેના મિત્રો અને શિક્ષકો તરફથી વધુ પ્રશ્નોનો સામનો કરવાની ફરજ પાડે છે. તેમજ એવી ભાવનાઓને ઉશ્કેરે છે જેને આપણે કુટુંબ તરીકે મેનેજ કરવાનો પ્રયાસ કરીએ છીએ.