
મુંબઈ: જાણીતી ટીવી સિરિયલ Big Boss ફેમ શિવ ઠાકરે અને અબ્દુ રોઝીકને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા છે. આ નોટિસ પર ટીવી અભિનેતા શિવ ઠાકરે ઇડી સમક્ષ રજૂ થયો હતો, જેથી હવે સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર અબ્દુ રોઝીક ક્યારે હાજર થશે એ બાબતે લોકો વચ્ચે ચર્ચા ચાલી રહી છે.
મળેલી માહિતી મુજબ ઇડીએ ડ્રગ્સ માફિયા અલી અસગર શિરાજી સાથે કથિત રીતે મની લોન્ડરિંગમાં સામેલ હોવાના આરોપ સામે શિવ ઠાકરે સાથે પૂછપરછ કરી તેનું સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યું હતું.
આ સાથે ‘બિગ બૉસ 16’ ફેમ અને સોશિયલ મીડિયા ઇન્ફલુઅન્સર અબ્દુ રોઝીકને પણ સમન્સ જાહેર કરી તેને હાજર રહેવાની નોટિસ ફટકારવામાં આવી છે. એક અધિકારીએ માહિતી આપી હતી કે અબ્દુએ અલી અસગર શિરાજી સાથે પાર્ટનરશિપમાં એક ફાસ્ટ ફૂડ સ્ટાર્ટ અપ બ્રાન્ડ શરૂ કર્યું હતું.
અલી અસગર શિરાજીએ એક કંપની શરૂ કરી હતી. આ કંપનીમાં તેણે શિવ ઠાકરે અને અબ્દુ રોઝીકને સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે ભંડોળ પૂરું પાડ્યું હતું. આ દરેક સ્ટાર્ટઅપ સામે નાર્કો-ફંડિંગ વડે પૈસા કમાવવાનો આરોપ કરવામાં આવ્યો છે. આ કંપનીમાં શિવ ઠાકરેની એક ચા કંપની અને અબ્દુ રોઝીકની બર્ગર બ્રાન્ડમાં અલી અસગર શિરાજીએ ઇન્વેસ્ટ કરવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે.
શિવ ઠાકરેની જ્યારે પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેણે કહ્યું હતું કે 2022-23માં તેની શિરાજીની કંપનીના ડિરેક્ટર કૃણાલ ઓઝાથી ભેટ થઈ હતી. કૃણાલે તેને ચા અને સ્નેક્સના બિઝનેસમાં પાર્ટનરશિપની ઑફર આપી હતી અને મોટી રકમ ઇન્વેસ્ટ કરી હતી.