ચક્કી પીસીંગ..એન્ડ પીસીંગ..શિલ્પા શેટ્ટીએ અનાજ દળવાની દેશી ઘંટી પર અજમાવ્યો હાથ
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલમાં રાજસ્થાનની ટ્રીપની મજા માણી રહી છે. આ ટ્રીપમાં લોકપ્રિય ફિટનેસ આઇકન શિલ્પા શેટ્ટીએ ગ્રામ્ય વિસ્તારમાં એક ઘરની મુલાકાત લીધી હતી જ્યાં તેણે ગ્રામીણ મહિલાઓ જે દેશી ઘંટીમાં અનાજ દળતી હોય છે તે ઘંટી પર હાથ અજમાવી એ મહિલાઓની મહેનતના વખાણ કર્યા હતા. રાજસ્થાનની સાંસ્કૃતિક સમૃદ્ધિને જોઇને તે ઘણી ખુશ થઇ ગઈ હતી.
શિલ્પા શેટ્ટીનો ચક્કી ચલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. તેણે આને ‘ચક્કી વર્કઆઉટ’ નામ આપ્યું હતું. આ સાથે જ તેણે ‘ચક્કી વર્કઆઉટ’ના લાભો પણ ગણાવ્યા હતા. આ વર્કઆઉટથી હાથ, પીઠ, હેમસ્ટ્રિંગ જેવા અંગો મજબૂત થાય છે તેમ શિલ્પાએ જણાવ્યું હતું.
શિલ્પાએ જે મહિલાઓ દરરોજ દેશી ઘંટીમાં અનાજ દળે છે તે મહિલાઓના વખાણ કર્યા હતા. તેણે પોતાના ફોલોઅર્સને પણ ચક્કી વર્કઆઉટ ટ્રાય કરવા અપીલ કરી હતી. જો કે આ વર્કઆઉટ બધા માટે નથી, શિલ્પાએ કહ્યું હતું કે પીઠનો દુ:ખાવો જેને હોય, તેમજ ગર્ભવતી મહિલાઓ તેમજ સ્લીપ ડિસ્કથી પીડાતા લોકો આ વર્કઆઉટથી દૂર રહે.
શિલ્પા શેટ્ટી કુંદ્રા હાલમાં જ રોહિત શેટ્ટીની વેબ સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં તારા શેટ્ટીના રોલમાં દેખાઇ હતી. તેની હાલમાં જ ફિલ્મ ‘સુખી’ પણ રિલીઝ થઇ હતી.