કપાટ ખુલતા જ ચાર ધામની યાત્રાએ પહોંચી ગઇ અભિનેત્રી….

ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા શુક્રવારથી શરૂ થઈ હતી અને કેદારનાથ ધામના કપાટ પણ ખુલી ગયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો લોકો આધ્યાત્મિક આશ્વાસન અને દૈવી આશીર્વાદ મેળવવા આવી ગયા છે. આ યાત્રા પર નીકળેલા યાત્રિકોમાં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ હતી, જેણે કેદારનાથની યાત્રા કરી હતી.
શિલ્પા શેટ્ટીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના પ્રવાસની ઝલક શેર કરી હતી. બરફથી ઢંકાયેલ પર્વતોની શાંત સુંદરતા અને કેદારનાથની શાંતિની વચ્ચે ફિલ્મ ‘કેદારનાથ’ ના ગીત ‘નમો નમો’ને માણતી શિલ્પા કેદારનાથના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

છ મહિનાના વિરામ પછી કેદારનાથ ધામના કપાટ ખુલવાની સાથે જ પવિત્ર ચારધામ યાત્રાની શરૂઆત થાય છે. શુક્રવારે વહેલી સવારે કેદારનાથ ધામના કપાટ ખુલ્યા બાદ મંદિરમાં પ્રથમ પૂજા વડાપ્રધાન મોદીના નામે કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કેદારનાથ ધામ મંદિરમાં ઉદ્ઘાટન પૂજાની અધ્યક્ષતા કરી હતી અને ચારધામ યાત્રા પર નીકળેલા તમામ લોકોની સલામત યાત્રા અને આધ્યાત્મિક પરિપૂર્ણતા માટે પ્રાર્થના કરી હતી.

પવિત્ર મંત્રોચ્ચાર અને સ્તોત્રો વચ્ચે બાબા કેદારનાથ ધામના દરવાજા ખુલતાની સાથે જ, એકત્ર થયેલા ભક્તો તરફથી ‘હર હર મહાદેવ’ના ઉગ્ર નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. 40 ક્વિન્ટલ ફૂલો અને પાંખડીઓથી કેદારનાથ મંદિરને શણગારવામાં આવ્યું હતું. હિંદુ ધર્મમાં યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ -એમ ચાર ધામની યાત્રા ઘણી પવિત્ર માનવામાં આવે છે