![Nawab Zulfiqar of Hiramandi will now show his strength in politics](/wp-content/uploads/2024/05/Preksha-MS-77.jpg)
બોલીવુડના અભિનેતા શેખર સુમને ફરી એકવાર રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો છે. સંજય લીલા ભણસાલીની વેબસિરીઝ ‘હીરામંડી’માં નવાબ ઝુલ્ફીકાર અહેમદની ભૂમિકા ભજવનાર અભિનેતા શેખર સુમન મંગળવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. અગાઉ 2009 માં શેખર સુમને કોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી લોકસભાની ચૂંટણી લડી હતી. જોકે, તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં તેમણે હવે બીજી વખત રાજકીય દાવ રમવા માટે ભાજપ સાથે હાથ મિલાવ્યા છે
ફિલ્મ અભિનેતા શેખર સુમને આજે દિલ્હીમાં પાર્ટી હેડ ક્વાર્ટર ખાતે ભાજપ સભ્યપદ લીધું છે. શેખર સુમન અભિનેતા હોવા છતાં ઉપરાંત એન્કર, પ્રોડ્યુસર અને ડિરેક્ટર પણ છે. ભાજપમાં જોડાયા બાદ અભિનેતા શેખર સુમને કહ્યું હતું કે ગઈકાલ સુધી મને ખબર નહોતી કે હું આજે અહીં બેઠો હોઈશ, કારણ કે જીવનમાં ઘણી બધી વસ્તુઓ જાણે અજાણે જ થઈ જતી હોય છે. હું અહીં ખૂબ જ સકારાત્મક માનસિકતા સાથે આવ્યો છું અને ભગવાનનો આભાર માનું છું કે તેમણે મને અહીં આવવાનો આદેશ આપ્યો.
https://x.com/ANI/status/1787738443499311454
નેવુંના દશકના ટીવી દર્શકોના એ ફેવરીટ એન્કર હતા. તેમની સ્પીચ, બોલવાની શૈલી, સેન્સ ઓફ હ્યુમર અને ઓવરઓલ ફ્ન દર્શકોને ગમી ગયા હતા. શેખરે ફિલ્મ અભિનેતા રૂપે શશી કપૂર નિર્મિત, ગિરીશ કર્નાડ નિર્દેશિત ‘ઉત્સવ’માં રેખા સાથે હીરો તરીકે શરૂઆત કરી હતી. તેમણે ૩૫ જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં માધુરી દીક્ષિત સાથેની ‘માનવ હત્યા’ ‘નાચે મયુરી’, ‘સંસાર’, ‘અનુભવ’, ‘ત્રિદેવ’, ‘પતિ પરમેશ્વર’, ‘રણભૂમિ’, ‘ચોર મચાયે શોર’, ‘એક સે બઢકર એક’, ‘ભૂમિ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
ટેલિવિઝનના નાના પડદા પર તેમણે ‘વાહ જનાબ’ શ્રેણીમાં કિરણ જુનેજા સાથે શરૂઆત કરી હતી, જે લખનૌની સંસ્કૃતિ પર આધારિત હતી. આ ઉપરાંત ‘દેખ ભાઈ દેખ’, ‘રિપોર્ટર’, ‘કભી ઇધર કભી ઉધર’, ‘છોટે બાબુ’, ‘અંદાઝ’, ‘વિલાયતી બાબુ’, ‘મુવર્સ એન શેકર્સ’, ‘સિમ્પલી શેખર’ કે ‘કેરી ઓન શેખર’ જેવી શ્રેણીઓમાં શેખર સુમન દેખાયા હતા. તેમના આ શોઝ ખૂબ લોકપ્રિય બન્યા છે.
૨૦૦૬ સુધી એ ‘ગ્રેટ ઇન્ડિયન કોમેડી શો’ સાથે સંકળાયા હતા. ‘ડાયલ વન ઔર જીતો’માં પણ તેઓ હતા. ‘નીલામ’ ઘર’ જેવાં ઝી ટીવીના ક્વિઝ શો, ‘હી-મેન’ કે ‘પોલ ખોલ’ જેવાં શોઝ પણ તેમણે કર્યા છે. ત્યાર બાદ તેઓ સ્ટેન્ડ અપ કોમેડી કોન્ટેસ્ટ ‘ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેંજ’ શોમાં નવજોત સિધુ સાથે જજ રૂપે પણ આવ્યા છે.
કુછ ખ્વાબ ઐસે’ આલબમથી શેખરે ગાયિકીમાં પણ હાથ અજમાવ્યો હતો. ૧૯૮૩માં શેખરે અલકા સુમન સાથે લગ્ન કર્યા હતાં. એમને અધ્યયન સુમન નામે દીકરો છે, જે ફિલ્મોમાં કામ કરે છે.