Happy Birthday: હિન્દી ફિલ્મસંગીતમાં તાજગી લાવવાનો શ્રેય આમને પણ જાય છે
એ જો તેમના સ્વરમાં અંધેરે સે ડરતા હું મૈં મા ગાય તો તમારી આખમાં આસું આવી જાય, એ કજરારે કજરારે ગાય તો તમને નાચવાનું મન થાય અને એ જો ગણનાયકાય, ગણદેવતા. ગાય તો તમે ભક્તિરસમાં ડૂબી જાઓ. તાજેતરમાં જ ગ્રેમી એવોર્ડ જેમના ગ્રુપને મળ્યો છે તે શંકર મહાદેવનનો આજે 3 માર્ચે જન્મદિવસ છે, જેમણે ‘સૂર નિરાગ હો…’ ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્રણ મિનિટ માટે શ્વાસ રોકી બ્રેથલેસ ગાનાર આ ગાયક અને સંગીતકારને એક-બે વાર નહીં પરંતુ ચાર વખત નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. શકંર મહાદેવનનું સૌથી મોટું યોગદાન ભારતીય સંગીત અને ખાસ કરીને ફિલ્મી સંગીતને હોય તો એ કે તેમણે સંગીતમાં પ્રયોગો કરી તાજગી આપી છે અને ટિપીકલ ગીતો કરતા અલગ જ ગીતો આપ્યા છે, જે કયારેય જૂના લાગતા નથી. શંકર-અહેસાન-લૉય આ બેન્ડ સંગીતના ક્ષેત્રોમાં નવીનતા ભરવામાં માહેર છે.
મુંબઈના ચેમ્બુરમાં જન્મેલા શંકરે ઈલેક્ટ્રિક એન્જિનિયરીંગ કર્યું છે. જોકે અભ્યાસ દરમિયાન પણ સંગીત પર તેનું ધ્યાન કેન્દ્રીત હતું. તેમનું પહેલું આલ્બમ બ્રેથલેસ આઈ 1998માં રિલીઝ થયું હતું. આ તેની કારકિર્દીની શરૂઆત હતી. લોકોએ તેનું આલ્બમ ખૂબ પસંદ કર્યું અને આ આલ્બમ દ્વારા તેણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું. તે પછી તેણે એહસાન અને લોય નામે બે મિત્રો સાથે મળીને એક ટીમ બનાવી. 2011માં, શંકર મહાદેવને પોતાના નામે ઓનલાઈન મ્યુઝિક એકેડમી પણ શરૂ કરી.
એઆર રહેમાન સાથેની તમિલ ફિલ્મ કંદોકંદનિન-કંદોકંદનિન માટે તેમનો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. એટલું જ નહીં, શંકર મહાદેવનને ચાર વખત નેશનલ એવોર્ડ, ત્રણ વખત બેસ્ટ પ્લેબેક સિંગરનો એવોર્ડ અને એક વખત બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો છે.
તાજેતરમાં તેને ગ્રેમી એવોર્ડ મળ્યો ત્યારે ગીતકાર જાવેદ અખ્તરે કહ્યું હતું કે ગ્રેમીને શંકર મહાદેવન મળ્યા છે. મહાદેવનને ઉસ્તાદ ઝાકીર હુસૈન, ઉસ્તાદ અમજદ અલી ખાન, પંડિત હરિપ્રસાદ ચૌરસિયા, પંડિત જસરાજ, પંડિત શિવકુમારે પણ શંકર મહાદેવનની પ્રશંસા કરી છે. સ્વર્ગસ્થ કિશોરી અમોનકર જેવા દિગ્ગજ ગાયકે શંકર મહાદેવનને ઘરે બોલાવી તારે ઝમીન પરનું અંધેરે સે ડરતા હું મૈં મા… ગીત ગવડાવ્યું હતું.
શંકર મહાદેવનને તેમના જન્મદિવસે શુભકામના…