મનોરંજન

શાહરુખ ખાનને ધમકી: રાયપુરના વકીલની ધરપકડ

મુંબઈ: બોલીવુડના કિંગ ખાન ગણાતા શાહરુખ ખાનને ગયા સપ્તાહે મોતની ધમકી આપી 50 લાખ રૂપિયાની માગણી કરવાના કેસમાં મુંબઈ પોલીસે છત્તીસગઢની રાજધાની રાયપુરથી વકીલ ફૈઝાન ખાનની ધરપકડ કરી હતી.

બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં 7 નવેમ્બરે કૉલ કરી અજાણ્યા શખસે શાહરુખ ખાનને જાનથી મારવાની ધમકી આપી 50 લાખ રૂપિયાની માગણી કરી હતી. આ પ્રકરણે બાન્દ્રા પોલીસે ગુનો નોંધી જે મોબાઈલ ફોન પરથી ધમકીભર્યો કૉલ આવ્યો હતો તેને ટ્રેસ કર્યો હતો. બાદમાં પોલીસની એક ટીમ રાયપુર ગઈ હતી અને વકીલ ફૈઝાન ખાનને પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાના સમન્સ બજાવ્યા હતા.

રાયપુરના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ સંતોષ સિંહે જણાવ્યું હતું કે મંગળવારની સવારે મુંબઈ પોલીસે પંડરી પોલીસ સ્ટેશનની હદમાંથી ફૈઝાન ખાનની ધરપકડ કરવા સંદર્ભેની માહિતી આપી હતી. તપાસ દરમિયાન મુંબઈ પોલીસને ધમકીભર્યા કૉલ અને ખાન વચ્ચેની કડી મળી હતી, જેને પગલે પોલીસ તેની વધુ પૂછપરછ કરવા માગે છે.

આ પણ વાંચો :Birth Day Special: શાહરુખ ખાનની આ ફિલ્મ ફ્લોપ હતી, ફિલ્મના કો-સ્ટાર પણ ગયો હતો જેલમાં

ધરપકડ બાદ ખાનને રાયપુર કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી ખાનને મુંબઈ લઈ જવામાં આવશે.

અધિકારીના જણાવ્યા મુજબ શાહરુખ ખાનને ધમકી આપતો કૉલ ફૈઝાન ખાનના નામે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી આવ્યો હતો. ખાને દાવો કર્યો હતો કે તેનો મોબાઈલ ફોન ચોરાઈ ગયો હતો, જેની તેણે બીજી નવેમ્બરે ખમરદીહ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે ‘અંજામ’ ફિલ્મમાં હરણના શિકાર સંબંધી શાહરુખ ખાનના ડાયલોગ વિરુદ્ધ ફૈઝાન ખાને જ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button