પંકજ ઉધાસના એ કાર્યક્રમે ‘King Khan’ને કરાવી હતી પહેલી કમાણી, જાણી લો સૌથી મોટી અજાણી વાત!
શાહરૂખ ખાન (Shahrukhh Khan)ની કમાણીની વાત કરીએ એટલે આપણને આલિશાન મન્નત બંગલો, લક્ઝુરિયસ કાર, કરોડોના રીસ્ટ વૉચ કલેક્શન, હાઈફાઈ લાઈફ સ્ટાઈલ નજર સામે આવે. આજે કિંગ ખાન (King Khan) દેશનો સૌથી વધારે સંપત્તિ ધરાવતો બોલીવૂડ (bollywood) સ્ટાર છે.
એક ફિલ્મ તો શું એક એડવર્ટાઈઝમેન્ટના પણ તે કરોડો લે છે ત્યારે તેની પહેલી કમાણી કેટલી હતી તે જાણો છો…અને આ કમાણી કોના લીધે થઈ હતી તે જાણો છો. એસઆરકેએ આ વાત પોતાના જ એક ઈન્ટરવ્યુમાં કહી હતી કે તેની પહેલી કમાણી રૂ. 50 હતી અને આ કમાણી સુપ્રસિદ્ધ ગઝલ ગાયક પંકજ ઉધાસ (Pankaj Udhas)ના કાર્યક્રમમાં ખુરશીઓ ગોઠવવા અને મહેમાનોને બેસાડવાનું કામ કર્યા બદલ તેને મળ્યા હતા અને આ પૈસાથી તે મિત્રો સાથે દિલ્હીથી આગ્રા ગયો હતો અને પહેલીવાર તાજમહેલ જોયો હતો.
ગુજરાતના જેતપુરમાં જન્મેલા પંકજ ઉધાસે ગઈ કાલે જ અંતિમ શ્વાસ લીધા. રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન સહિત સૌએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી. માધુરી દિક્ષિતે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેની 1991ની સુપરહીટ ફિલ્મ સાજનના ગીત જીયે તો જીયે કૈસેને યાદ કર્યું હતું જે ઉધાસે ગાયું હતું. ગાયક દલેર મહેંદીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે તમારા ગીતો અમારા હૃદયમાં ગૂંજ્યા કરશે.
પંકજ ઉધાસના પિતા કેશુભાઈ ઉધાસ દિલરૂબા વગાડવામાં માહેર હતા. તેમના મોટા ભાઈ મનહર ઉધાસ પણ સંગીતની દુનિયાનું જાણીતું નામ છે. તેમનાં બીજા ભાઈ નિર્મલ ઉધાસ પણ આ ક્ષેત્રમાં જ છે. મહશ ભટ્ટની ફિલ્મ નામનું ગીત ચીઠ્ઠી આઈ હૈ આજે પણ હિન્દી સિનેમાના બહેતરીન ગીતોમાંનું એક ગણાય છે.