સલમાન બાદ હવે શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી, આરોપીની અટક
બોલિવૂડમાંથી એક મોટા સમાચાર જાણવા મળ્યા છે. ભાઇજાન સલમાન ખાન બાદ હવે બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અભિનેતાને ધમકીનો ફોન આવ્યો છે. શાહરૂખને ધમકી મળ્યા બાદ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે પોલીસે કોલ ટ્રેસ કર્યો તો તે રાયપુરનો હોવાનું જાણવા મળ્યું હતું. જે નંબર પરથી ફોન કોલ આવ્યો છે તે ફૈઝાન નામથી રજિસ્ટર્ડ છે. ત્યારબાદ પોલીસની ટીમ રાયપુર ગઈ હતી અને તેની ધરપકડ કરી છે. વધુ તપાસ હજુ ચાલુ છે.
મુંબઈ પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે. શાહરૂખ ખાનને આ ધમકી આપવા પાછળનો હેતુ જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે. મુંબઈ પોલીસની એક ટીમ રાયપુર પહોંચી ગઈ છે. ત્યાં આ ટીમ મામલાની તપાસ કરશે. બાંદ્રા પોલીસ સ્ટેશનમાં શાહરૂખ ખાન માટે ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ કહ્યું કે જો શાહરૂખ ખાન પોતાનો જીવ બચાવવા માંગતો હોય તો અમને કરોડો રૂપિયા આપો. અન્યથા તેમને પરિણામ ભોગવવા પડશે અને ત્યારબાદ કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. કોલ કરનાર આરોપીનું નામ ફૈઝાન ખાન હોવાનું કહેવાય છે. તેણે ફોન સ્વિચ ઓફ કરી દીધો છે. તેનું લોકેશન શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તાજેતરમાં જ ભૂતપૂર્વ વિધાન સભ્ય બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમની આ હત્યાથી લોકો ચોંકી ગયા હતા. બાબા સિદ્દીકી તેમના પુત્રની ઑફિસની બહાર આવી રહ્યા હતા, ત્યારે તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારમા ંતેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇની ગેંગે આ હત્યાની જવાબદારી લીધી હતી. લોરેન્સ બિશ્નોઇ ગેંગ સલમાન ખાનને પણ સતત જાનથી મારવાની ધમકી આપી રહી છે. બિશ્નોઇ સમાજ કાળા હરણને ભગવાનની જેમ પૂજે છે અને ભૂતકાળમાં સલમાન ખાને કાળા હરણનો શિકાર કર્યો હતો, તેથી લોરેન્સ બિશ્નોઇ ગેંગ સલમાન ખાનની પાછળ પડી છે અને તેને સતત જાનથી મારવાની ધમકી આપી રહી છે. બાબા સિદ્દિકી પણ સલમાન ખાનના ખાસ મિત્ર હતા. તેમની હત્યા કરીને સલમાનને સંદેશો આપવાનો લોરેન્સ બિશ્નોઇનો ઇરાદો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
શાહરૂખ ખાનની વાત કરીએ તો તેને Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. શાહરૂખ ખાનને ઘણી વાર જાનથી મારવાની ધમકી મળી છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં પણ તેમને ‘પઠાણ’ અને ‘જવાન’ ફિલ્મની સફળતા બાદ તેમને જાનથી મારવાની ધમકીઓ મળી હતી. શાહરૂખે આ અંગે મહારાષ્ટ્ર પોલીસમાં લેખિત ફરિયાદ કરી હતી. ત્યાર બાદ તેમને Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી.