મિસ યુ, હવે ક્યારેય અમૃતાની ભૂમિકા નહીં ભજવી શકું’, શબાનાએ આ હીરો માટે કરી ભાવુક પોસ્ટ….
મુંબઈ: ફારુક શેખ હિન્દી સિનેમાના સૌથી પ્રખ્યાત અભિનેતાઓમાંના એક હતા. 2013માં આજના દિવસે ફારૂક શેખનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ફારુક શેખે આ દુનિયામાંથી વિદાય લીધી એ વાતને આજે આજે દસ વર્ષ થઈ ગયા છે. આજે ફારૂકની પુણ્યતિથિ પર તેમના ઘણા પ્રિયજનો તેમને યાદ કરી રહ્યા છે. ત્યારે ફારુકની નજીકની મિત્ર અને પ્રખ્યાત અભિનેત્રી શબાના આઝમીએ પણ તેમને યાદ કરીને ઇન્સ્ટાગ્રામ પર એક ખૂબ જ ભાવુક પોસ્ટ શેર કરી હતી.
શબાના આઝમીએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ફારૂક શેખની એક તસવીર શેર કરીને શબાનાએ ફારૂક સાથેના તેના છેલ્લા શો ‘તુમ્હારી અમૃતા’ને યાદ કર્યો હતો, જે લગભગ દસ વર્ષ પહેલા આવ્યો હતો. તેમજ શબાનાએ પોતાની જૂની મિત્રતાને ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી.
શબાનાએ કેપ્શનમાં લખ્યું હતું કે મને સારી રીતે યાદ છે કે 10 વર્ષ પહેલા 14 ડિસેમ્બરના રોજ આપણે તાજમહેલની સામે ‘તુમ્હારી અમૃતા’નો છેલ્લો શો કર્યો હતો. તે સમયે મેં કહ્યું હતું કે આજ સુધી અમને એવી કોઈ જગ્યા મળી નથી જે તાજમહેલ જેવી સુંદર હોય. તેમજ આ આપણો છેલ્લો શો હશે કારણ કે આપણે છેલ્લા 22 વર્ષથી સાથે કામ કરી રહ્યા છીએ. ત્યારે ફારુકે કહ્યું હતું કે હજુ તો આવનારા બીજા 22 વર્ષ સુધી સાથે કામ કરીશું. શબાનાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે તમે ગયા અને આપણી મિત્રતાનો અંત આવ્યો. પરંતુ હું એ કહેવા માંગુ છું કે તમારા ગયા પછી હું અમૃતાનો રોલ ક્યારેય કરીશ નહિ.
ઉલ્લેખનીય છે કે ફારુખ શેખે પોતાની ફિલ્મી કરિયરમાં ઘણી શાનદાર ભૂમિકાઓ ભજવી હતી. ફારુક શેખને ‘ઉમરાવ જાન’, ‘બીવી હો તો ઐસી’થી લઈને ‘યે જવાની હૈ દીવાની’ જેવી ફિલ્મો માટે યાદ કરવામાં આવે છે. આ ઉપરાંત અભિનેત્રી શબાના આઝમી અને ફારૂક શેખે એક સાથે ‘એક પલ’, ‘અંજુમન’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.