
ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ઓક્ટોબર મહિનો અને 2025નું વર્ષ ખાસ રહ્યું નથી કારણ એક પછી દિગ્ગજ કલાકારોના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે. હજી તો લોકો પંકજ ધીર અને હવે સારાભાઈ વર્સીસ સારાભાઈ ફેમ એક્ટર સતિષ શાહનું 74ની વર્ષની વયે નિધન થયું છે. સતિષ શાહના નિધનના સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને કોમિક વર્લ્ડમાં શોકની લહેર દોડી ગઈ છે. કિડની ફેઈલ્યોરને કારણે તેમનું નિધન થયું હોવાની માહિતી તેમના નજીકના મિત્ર અશોક પંડિતે આપી હતી.
એક્ટરના નિધનના સમાચારની પુષ્ટિ તેમના મેનેજરે કરતાં જણાવ્યું હતું કે આજે બપોરે 2.30 વાગ્યે સતિષ શાહે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ કિડની સંબંધિત બીમારીથી પીડાઈ રહ્યા હતા. આવતીકાલે એટલે કે 26મી ઓક્ટોબરના રોજ તેમના પાર્થિવ દેહ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે, એવી માહિતી પણ મેનેજરે આપી હતી. જોકે, તેમનું નિધન ચોચ્કસ કયા કારણસર થયું છે એ તો ફાઈનલ રિપોર્ટ્સ આવ્યા બાદ જ ખ્યાલ આવશે, એવું તેમના મેનેજરે વધુમાં જણાવ્યું હતું.
સતિષ શાહે પોતાની ફિલ્મી કારકિર્દી દરમિયાન અનેક ફિલ્મોમાં યાદગાર રોલ કર્યા હતા, પરંતુ તેમને નામના અપાવી ટીવી સિરીયલ સારાભાઈ વર્સીસ સારાભાઈએ. આ શોમાં તેમણે ઈંદ્રવદન ઉર્ફે ઈંદુનો રોલ કર્યો હતો અને આજે પણ ઈન્સ્ટાગ્રામ પર તેમના શોની ક્લિપ્સ વાઈરલ થતી હોય છે.
યાદગાર ફિલ્મો અને ટીવી સિરીયલ

ટીવી સિરીયલ સિવાય સતિષ શાહે અનેક યાદગાર ફિલ્મો પણ આપી છે, પરંતુ તેમની પહેલી ફિલ્મ ભગવાન પરશુરામ હતી. ત્યાર બાદ તેમણે અજીબ દાસ્તાં, ગમન, ઉમરાવ જાન, શક્તિ, જાને ભી દો યારો, વિક્રમ બેતાલ, મૈં હું ના જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. 1984માં તેમણે યે જો હૈ ઝિંદગી સિટકોમમાં કર્યું અને 55 એપિસોડની આ સિરીયલમાં તેમણે 55 અલગ અલગ કેરેક્ટર પ્લે કર્યા હતા. ત્યાર બાદ તેમણે ફિલ્મી ચક્કર નામના શોમાં પ્રકાશનો રોલ કર્યો હતો, જેમાં તેમણે રત્ના પાઠક સાથે સ્ક્રીન શેર કરી હતી.
સ્પોર્ટ્સમાં હતો વિશેષ રસ

25મી જૂન, 1951ના ગુજરાતી પરિવારમાં જન્મેલા સતિષ શાહને બાળપણમાં એક્ટિંગ નહીં પણ ક્રિકેટ અને બેઝબોલમાં રસ હતો અને બંને સ્પોર્ટ્સમાં તેઓ માહેર હતા. એટલું જ નહીં પણ તમને જાણીને નવાઈ લાગશે કે સ્કુલિંગ સમયે સતિષ સ્પોર્ટ્સને કારણે જ તેમની સ્કુલમાં ફેમસ હતા. સ્કુલમાં હતા ત્યારે સતિષ શાહ લોન્ગ જમ્પ અને હાઈ જમ્પમાં પણ ચેમ્પિયન હતા અને આ વાતનો ખુલાસો ખુદ સતિષ શાહે કર્યો હતો.
એક્ટિંગ તરફ વળવાનું કારણ…
એક્ટિંગની દુનિયામાં આવવું એ સતિષ શાહ માટે એક સંયોગ જ હતો અને એક ઈન્ટરવ્યુમાં તેમણે આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એક વખત સ્કુલના એન્યુઅલ ફંક્શનમાં થનારા હિંદી નાટકમાં એક્ટરની કમી હતી, અને એ સમયે ટીચરે નાટક માટે સતિષ શાહનું નામ આપ્યું. આ સાંભળીને તેઓ નર્વસ થઈ ગયા હતા, પરંતુ તેઓ શિક્ષકને ના પાડી શક્યા નહીં, પણ ટીચરને પણ ના પાડી શક્યા નહીં. રિહર્સલ સમયે ડાયલોગ કરી લીધા પણ કોની સામે ડાયલોગ બોલવાના હતા તે ભૂલી જતાં હતા.



