જીવિત રહેવું હોય તો મંદિર જઈને માફી માગો અથવા 5 કરોડ રૂપિયા આપો, સલમાન ખાનને ફરી મળી ધમકી
મુંબઇઃ છેલ્લા અઠવાડિયામાં સલમાન ખાનને બે વખત જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. હવે મંગળવારે સવારે ફરીથી અભિનેતાને લોરેન્સના નામે ધમકી મળી છે. મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ યુનિટને લોરેન્સ બિશ્નોઈનો ભાઈ હોવાનો દાવો કરનાર વ્યક્તિ તરફથી મેસેજ મળ્યો હતો, જેમાં ધમકી આપવામાં આવી હતી કે જો સલમાન ખાન અમુક માંગણીઓનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો તેને મારી નાખવામાં આવશે.
મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ સેલને લોરેન્સ બિશ્નોઈના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો છે, જેમાં જીવતા રહેવા માટે સલમાન ખાન માટે બિશ્નોઈ સમુદાયના મંદિરમાં જઈને માફી માંગવા અથવા 5 કરોડ રૂપિયા ચૂકવવાની શરત રાખવામાં આવી છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે જો સલમાન ખાન બિશ્નોઈ સમુદાયના મંદિરમાં જઈને કાળા હરણના શિકાર માટે માફી નહીં માંગે અથવા 5 કરોડ રૂપિયા નહીં આપે તો તેનો જીવ પણ જઈ શકે છે.
પોલીસના જણાવ્યા અનુસાર, તેમને ગઈકાલે (સોમવારે) મધરાતે આ ધમકીભર્યા મેસેજની માહિતી મળી હતી.
બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનને સતત આવી ધમકીઓ મળી રહી છે. આ પહેલા ઝારખંડના એક વ્યક્તિએ પણ વોટ્સએપ મેસેજ મોકલીને 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.જોકે, બાદમાં તેણે ફેરવી તોળ્યું હતું કે મારાથી ભૂલ થઇ હતી. પોલીસે તેની ધરપકડ કરી છે.
ત્યાર બાદ મુંબઈ પોલીસના ટ્રાફિક હેલ્પલાઈન નંબર પર બોલિવૂડના સુપરસ્ટાર પાસેથી રૂ. 2 કરોડની માંગણી કરતા અનેક વોટ્સએપ મેસેજ મોકલવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે નોઈડામાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી.
સલમાનના નજીકના મિત્ર અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની તેમની બાન્દ્રા ખાતેની ઑફ્સ પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.સિદ્દિકી કૉંગ્રેસ છોડીને તાજેતરમાં અજિત પવારની એનસીપીમાં જોડાયા હતા. સલમાન અને બાબા સિદ્દીકી ગાઢ મિત્રો હતા. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઇ ગેંગે લીધી હતી. એમ કહેવાઇ રહ્યું છે કે સલમાન ખાન સાથેની નિકટતા બાબા સિદ્દિકીની હત્યાનું કારણ બની હતી.
હાલમાં પોલીસ તપાસ ચાલુ છે.
હવે આ સમયે સલમાન ખાન ક્યાં છે અને શું કરી રહ્યો છે એવો સવાલ સહેજે થાય તો સલમાન ખાન હાલમાં હૈદરાબાદમાં પ્રખ્યાત તાજ ફલકનુમા પેલેસમાં ફિલ્મ સિકંદરના શૂટિંગમાં વ્યસ્ત છે. અભિનેતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પેલેસમાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ પેલેસમાં જ સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના લગ્ન થયા હતા.