Happy Birthday: Salman Khan સાથેની પહેલી ફિલ્મની ઓફર ઠુકરાવી હતી | મુંબઈ સમાચાર

Happy Birthday: Salman Khan સાથેની પહેલી ફિલ્મની ઓફર ઠુકરાવી હતી

દબંગસ્ટાર સલમાન ખાન હીરોઈનોને બોલીવૂડમાં એન્ટ્રી અપાવવા માટે જાણીતા છે. તેમણે ઘણી નવી હીરોઈનો સાથે કામ કર્યું છે. કટરિના કૈફ, ઝરીના, ડેઈઝી શાહ,સોનાક્ષી સિન્હા આ વધી હીરોઈનોને તે બોલીવૂડમાં લાવ્યો હોવાનું માનવામાં આવે છે. જોકે એક એવી અભિનેત્રી છે જેને 16 વર્ષની ઉંમરે સલમાન ખાન સાથે ફિલ્મ કરવાની ઓફર મળી હતી અને તેણે ઠુકરાવી. આવી હિંમત જેણે કરી તે છે આજની બર્થ ડે સેલિબ્રિટી શ્રદ્ધા કપૂર. હવે શ્રદ્ધાએ આમ શા માટે કર્યું તે તો તેણે ક્યારેય કહ્યું નથી, પણ હિન્દી ફિલ્મજગતના ટૉપ ટેનમાં આવતા પડદા પરના ખલનાયિકોમાંના શક્તિ કપૂરની આ દીકરીએ પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે તે વાત નક્કી છે.

આજે બોલિવૂડની સાદી, સરળ અને સ્વીટ અભિનેત્રી ગણાતી આશિકી ગર્લ શ્રદ્ધા કપૂરનો જન્મદિવસ છે. શ્રદ્ધા કપૂરનો જન્મ 3 માર્ચ 1987ના રોજ મુંબઈમાં થયો. શ્રદ્ધા કપૂરે તેનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની જમનાબાઈ નરસી સ્કૂલમાંથી મેળવ્યું હતું. અભિનેતા ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર સ્કૂલમાં એક જ ક્લાસમાં ભણતા. આ કારણે બંને મનોરંજનની દુનિયાની બહાર પણ ખૂબ સારા મિત્રો છે. સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ શ્રદ્ધા અમેરિકા ગઈ હતી. તેમણે ડિગ્રી માટે બોસ્ટન યુનિવર્સિટીમાં એડમિશન પણ લીધું. જો કે, થોડા સમય પછી તેને ત્યાં મન ન લાગ્યું અને તે ફરી મુંબઈ આવી. બોસ્ટનમાં તે પૉકેટમની માટે કૉફી શૉપમાં કામ કરતી હતી. પોતાની કરિયર તેણે તીન પત્તીથી શરૂ કરી અને તે બાદ લવ કા ધ એન્ડ નામની ફિલ્મ કરી અને બન્ને ફ્લોપ ગઈ. સતત બે ફ્લોપ રહ્યા બાદ શ્રદ્ધા કપૂરનું કરિયર ડામાડોળ લાગ્યું અને તે એક બે ફિલ્મો કરનારી સ્ટારકિડ્સ બનીને રહેશે તેમ બધાને થયું, પણ ત્યારબાદ આવી મહેશન ભટ્ટની બ્લોકબસ્ટર આશિકી-2. આ ફિલ્મથી શ્રદ્ધાએ પગ જમાવ્યો. આ પછી તેણે એક વિલન, હૈદર, ABCD 2, બાગી, સ્ત્રી અને છિછોરે સહિત ઘણી ફિલ્મોમાં દમદાર ભૂમિકાઓ ભજવી છે.

શ્રદ્ધા સારી અભિનેત્રી સાથે સારી ગાયિકા પણ છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ શ્રદ્ધા સ્ટારકિડ્સની જેમ અફેર કે રિવિલિંગ કપડામાં પોઝ વગેરેથી દૂર રહે છે. જોકે શ્રદ્ધાને હજુ એક હીરોઈન સેન્ટ્રીક હીટ ફિલ્મની જરૂર છે. તેને આવી ફિલ્મ મળે તેવી તેના જન્મદિવસે શુભકામના…

Back to top button