સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર:એમસીઓસીએ કોર્ટે ત્રણ આરોપીને 8 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારી

મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના બાંદ્રા વિસ્તારના નિવાસસ્થાન બહાર ગોળીબારના કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીને વિશેષ એમસીઓસીએ કોર્ટે સોમવારે 8 મે સુધી પોલીસ કસ્ટડી ફટકારી હતી.
વિશેષ એમસીઓસીએ જજ એ.એમ. પાટીલે આરોપી વિકી ગુપ્તા (24), સાગર પાલ (21) અને અનુજ થાપન (32)ને પોલીસ કસ્ટડી ફટકારી હતી, જ્યારે સોનુકુમાર ચંદર બિશ્ર્નોઇ (37)ને તબીબી કારણોસર અદાલતી કસ્ટડી ફટકારાઇ હતી.
પોલીસે શનિવારે ચારેય આરોપી વિરુદ્ધ તથા જેલમાં સબળતા ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઇ અને તેના ફરાર ભાઇ અનમોલ બિશ્ર્નોઇ વિરુદ્ધ એમસીઓસીએ (મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) લગાવ્યો હતો.
બિશ્ર્નોઇ ગેન્ગના બંને શૂટર ગુપ્તા અને પાલને શસ્ત્રો અને બૂલેટ્સ પૂરાં પાડવાનો સોનુકુમાર અને અનુજ પર આરોપ છે.
સોમવારે બંધબારણે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરકારી વકીલ જયસિંહ દેસાઇએ કાવતરાનો પર્દાફાશ કરવા માટે બારીકાઇથી તપાસ કરવાની જરૂર હોવાનું જણાવીને આરોપીઓની કસ્ટડી વધારી આપવાની માગણી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સલમાનના નિવાસસ્થાન બહાર 14 એપ્રિલે ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ પ્રકરણે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં સંડોવાયેલા બિશ્ર્નોઇ ગેન્ગના બે શૂટર ગુપ્તા અને પાલને ભૂજથી ઝડપી પાડ્યા હતા, જ્યારે સોનુકુમાર અને અનુજની 25 એપ્રિલે પંજાબથી ધરપકડ કરાઇ હતી.
કેનેડામાં રહેતા અને યુએસએમાં પ્રવાસ કરતા રહેતા આરોપી અનમોલ બિશ્ર્નોઇએ ફેસબૂક પર પોસ્ટ કરી ગોળીબારની જવાબદારી સ્વીકારી હતી. જોકે તેનું આઇપી એડ્રેસ પોર્ટુગલમાં ટ્રેસ થયું હતું. અનમોલનો ભાઇ લોરેન્સ હાલ સાબરમતી જેલમાં છે. (પીટીઆઇ)