સલમાન ખાન ફાયરિંગ કેસમાં તમામ આરોપીઓ સામે લાગશે MCOCA

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસે તમામ આરોપીઓ પર MCOCA એક્ટ લાગુ કર્યો છે. ગત 14 એપ્રિલે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર બિશ્નોઈ ગેંગના લોકોએ ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં બિશ્નોઈ ગેંગના બે શૂટર વિકી ગુપ્તા અને સાગર પાલ પોલીસની કસ્ટડીમાં છે. તેમની ગુજરાતના કચ્છમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ પોલીસે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના ભાઈ અનમોલ બિશ્નોઈને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, મુંબઈ પોલીસ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કસ્ટડીમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે જરૂરી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે લોરેન્સના નાના ભાઈ અનમોલ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર ઈસ્યું કર્યો છે. અનમોલ અત્યારે અમેરિકામાં બેઠો છે, ત્યાંથી તે ભારતમાં ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યો છે. સલમાન ખાનના ઘરે ફાયરિંગ બાદ તેણે આ ઘટનાની જવાબદારી લીધી હતી.
14 એપ્રિલે સવારે 4:52 કલાકે સલમાન ખાનના નિવાસસ્થાન ગેલેક્સી એપાર્ટમેન્ટમાં બે શૂટરોએ ગોળીબાર કર્યો હતો. તેમણે સતત પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાંથી ત્રણ ગોળી છૂટી હતી. પરંતુ એક ગોળી સલમાનના ઘરની દિવાલ પર વાગી હતી, જ્યારે એક ગોળી ત્યાં લગાવેલી બારીનો પડદો વીંધીને સલમાનના ઘરની અંદરના ડ્રોઇંગ રૂમની દિવાલ પર વાગી હતી. આ પછી આરોપીઓ તેમની બાઇક એક ચર્ચ પાસે છોડીને ભાગી ગયા હતા.
મુંબઈ પોલીસે શૂટર વિકી ગુપ્તા (24) બિહાર અને સાગર પાલ (21)ની ગુજરાતના કચ્છમાંથી ધરપકડ કરી હતી. આ બંનેને હથિયારો સપ્લાય કરનારા સોનુ કુમાર, સુભાષ ચંદર બિશ્નોઈ અને અનુજ થાપનને પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પંજાબમાંથી પકડી પાડ્યા હતા. બંનેએ 15 માર્ચે વિકી અને સાગરને દેશી બનાવટની બે પિસ્તોલ અને કારતૂસ આપ્યા હતા. સોનુ બિશ્નોઈ અને અનુજ થાપન પંજાબમાં આવેલા લોરેન્સ ગામ નજીકના ફાઝિલ્કાના રહેવાસી છે.