બાન્દ્રામાં ગૅલેક્સી એપાર્ટમેન્ટ બહાર ગોળીબાર: સલમાન-અરબાઝ ખાનનાં નિવેદન નોંધાયાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન બહાર 14 એપ્રિલની વહેલી સવારે કરાયેલા ગોળીબારના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અભિનેતા સલમાન અને તેના ભાઈ અરબાઝ ખાનનાં નિવેદન નોંધ્યાં હતાં. અભિનેતાઓનાં નિવેદન આ કેસમાં ધરપકડ કરાયેલા છ આરોપી વિરુદ્ધ કોર્ટમાં દાખલ કરવામાં આવનારા આરોપનામાનો ભાગ હશે. છમાંથી એક આરોપી અનુજ થાપને ક્રાઈમ બ્રાન્ચના લૉકઅપમાં કથિત આત્મહત્યા કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ચાર સભ્યની ક્રાઈમ બ્રાન્ચની ટીમ બુધવારે ગૅલેક્સી એપાર્ટમેન્ટમાં આવેલા સલમાન ખાનના નિવાસસ્થાને ગઈ હતી, જ્યાં બન્ને ભાઈનાં નિવેદન નોંધવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો : અભિનેતા સલમાન ખાન પર હુમલાનું કાવતરું: બિશ્નોઈ ગેન્ગના વધુ એક સાગરીતની હરિયાણાથી ધરપકડ
કહેવાય છે કે લગભગ ચાર કલાક સુધી સલમાન ખાનનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, જ્યારે તેના ભાઈ અરબાઝનું નિવેદન નોંધવામાં પોલીસને બે કલાકથી વધુ સમય લાગ્યો હતો. તપાસના ભાગ રૂપે બન્નેનાં નિવેદન નોંધવામાં આવ્યાં હોવાનું કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે બાઈકસવાર બે હુમલાખોર 14 એપ્રિલની વહેલી સવારે ગૅલેક્સી એપાર્ટમેન્ટ બહાર ગોળીબાર કરી ફરાર થઈ ગયા હતા. લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગને ઇશારે આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. પોલીસે બન્ને શૂટર વિકી ગુપ્તા અને સાગર પાલને ગુજરાતના ભુજ ખાતેથી પકડી પાડ્યા હતા. ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈ હાલમાં ગુજરાતની સાબરમતી જેલમાં છે.
બીજી બાજુ, નવી મુંબઈ પોલીસે પણ સલમાન ખાન પર હુમલાનું કાવતરું ઘડવા પ્રકરણે ગુનો નોંધ્યો હતો. નવી મુંબઈ પોલીસે બિશ્ર્નોઈ અને ગોલ્ડી બ્રાર ગૅન્ગ સાથે સંકળાયેલા પાંચ જણની ધરપકડ કરી હતી. પકડાયેલામાંથી ચાર જણે સલમાનના નિવાસસ્થાન, પનવેલ સ્થિત ફાર્મહાઉસ અને તેનાં શૂટિંગનાં સ્થળોની રૅકી કરી હતી.